પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને બોલતો-ચાલતો શીળીના ઘોબાવાળો જુવાન માણસ - પોતાના વીરમ એવા નામથી ન ઓળખાતાં સંખ્યાવાચક કોઇ આંકડા વડે ઓળખી શકાય, એવી તે રચના કોની હશે? એ દુનિયા કઇ હશે?

ડોશીને કશી ગમ ન પડી. એટલામાં તો ડોશી જોડેની જુવાન ઓરતે પોતાના રાતા રંગના ઓઢણાનો એક છેડો કમ્મરમાં ખોસેલ હતો તેને બહાર કાઢી તેની ગાંઠ વાળી હતી તે છોડવા માંડી. હાથની આંગળીઓ ન છોડી શકી એથી પોતાના દાંત વડે ગાંઠ છોડી. એ છોડતી હતી ત્યારે ઓટા પર બેઠેલ અમલદારની નજર એના આગલા દાંત પર પડી. આવી ગંદી સ્ત્રીના દાંત આટલા બધા સફેદ! આટલા ચકચકતા! એ પણ સમસ્યા જ હતી. લીલુંછમ દાતણ નહિ પણ નિરોગી હોજરી જ દાંતને સફેદી આપનાર છે એ વાતને વીસરી નવયુગનો અર્ધદગ્ધ બનેલો એ અમલદાર હતો.

ઓઢણાના છેડાની ચીંથરીમાંથી એક બીજી ચીંથરી નીકળી. એની અંદર મેલી એક કાગળની કટકી હતી. તેમાં સંખ્યા લખેલી હતી. બાઇએ કટકી ડોશીને દીધી.

"ત્યાં કચેરીમાં લાવજો, ડોશી." અમલદારે આ બાઇના લંબાયેલા હાથને પાછો કાઢતાં કહ્યું.

"ભલે બાપા, પણ હવે તો મારા વીરમના વાવડ મળ્શે ને?"

"કેમ નહિ મળે?"

"ના, ઇ તો ઓલ્યો પેથાપરવાળો અમરો પાછો આવ્યો છે ને, એણે અમને ફડકો પડાવ્યો."

"અમરો કોણ?"

"ગાંડો થઇને પાછો આવેલ છે ને?" તી ગમે તેવું લવ્યા કરે છે."

અમલદાર ચૂપ રહ્યા, ડોશીએ પૂછ્યું: "તી, હેં સાબ, ઉંવાં માણસ ગાંડાં શેં થઇ જાય છે? મારો વીરમ નરવ્યો તો હશે ને?"

"એ બધી ખબર કચેરીમાં પડશે."

"પણ તયેં, હેં સાબ, આપણા દરિયામાં અંધારું કીમ કરી નાખ્યું? હું તો અણગોતરા કાળમાં જલમી છું. ને ચાર વર્ષની ધાવણી હતી તેદુથી મને સાંભરે છે કે આપણા દરિયામાં કે’દી અંધારું નો'તું થયું. આપણો કંદેલિયો

૨૦૪
સોરઠ તારાં વહેતાં પાણી