પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો રૂડો દરિયાપીરની આંખ્યું જેવો આટલા વરસથી ઝગતો ને ઝગતો રીયો'તો. મોટા રોગચાળા આવ્યા, સાત તો કાળ પડ્યા - તોય આપણા દરિયાલાલના દીવા કે'દી નો'તા ઓલવાણા. આ વખતે જ એવડું બધું શીયું દંગલ થીયું કે દરિયે અંધારું કરવું પડ્યું?"

"પા-પ-પા-પ" ડોશીનો નાનો પોતરો જીભ ના ગોટા વાળતો કાંકરો વીણતો હતો.

"આવી કઇ આફત આવી પડી છે, સાબ? મારા વીરમને તો કાંઇ વપત્ય નથી પડી ને?"

"અરે ગાંડી!" અમલદારને હવે ખુલાસો કરવાની જરૂર પડી. "તને શી ખબર પડે! દરિયામાં અંધારું તો આપણે એટલા સારુ કર્યું છે કે દુશ્મનોને ખબર પડી જાય કે આપણે શી રમત રમીએ છીએ. ભલી થઇને આ વાત પેટમાં રાખજે. તારો વીરમ તો એ..ઇને અત્યારે અમનચમન કરતો હશે કોક આરબાણી-"

અમલદાર પૂરી વાત કરતાં અટકી ગયા. એને ભાન આવ્યું કે આરબાણીઓ અને યહૂદણોની વાત સાંભળીને ધાન નહિ ખાય એવી એક સ્ત્રી ત્યાં હાજર હતી.

એણે વાત બદલી: "તારા વીરમને માટે તો અહીંથી કોથળા ને કોથળા ભરી બીડી-સોપારી મોકલાય છે; એલચી, લવિંગ ને તજ મોકલાય છે; ચાની પેટીઓ અને - "

"તો તમ જેવો ઇશ્વરે નહિ. પણ જોજે હો, સાબ; મારા વીરમને ઉંવાં દારુ પીવા નો દે. એને દારુ વધુ પડતો ચડી જાય છે; ને ચડ્યા પછી આ વહુને કાંક વધુ પડતી મારે છે."

"અરે ડોશી, વીરમ પાછો આવે ત્યારે તો તું જોજે! એની આખી છાતી સોનાને ચાંદે મઢી હશે. ને આંહીં તો મોટા મોટા હાકેમો એને લેવા સામા જાશે. એને રાજની મોટી નોકરી આપશે. પછી આ તારો છોકરો ધૂળ નહીં ચૂંથે: બગીમાં ફરશે."

"તો તો તારા મોમાં સાકર, મારા બાપ!" કહેતા વેવલી ડોશી હસવા

૨૦૫
સોરઠ તારાં વહેતાં પાણી