પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આશ્વાસન આપ્યું: "કાંઇ ફિકર નહિ, મિસ્તર! એ બચાડાંઓને રાતદિવસ રહેવું જાણે કે અમારી સાથે. તમે તો આવી ચડ્યા પરોણા દાખલ. તમને રિઝવે કે અમને? તમે જ કહો."

રસાલો આવ્યો. બૅન્ડ-વાજાંના વીર-સ્વરો ધણધણ્યા અને સ્ટેશન પર ગિરદી મચી ગઇ.

એ ગિરદીમાં પિનાકીએ ચહેરાઓ જોયા : એક સોહામણા, દૂધમલ છોકરાઓનું; ને બીજા નાનાં નાનાં ઝૂમખાં કુટિલ કાવાદાવાદાર, કરડી કરચલીઓવાળાં મોઢાંનાં. એ મોઢાં હતાં રંગરૂટોની ભરતી-અમલદારોનાં. જુદાં જુદાં અનેક રાજ્યોની નોકરીઓમાં ડામીજ થઇને રાત લઇ નાસેલા જે કાળાં કામના કરવાવાળા અમલદારો, તેઓ લડાઇના ટાણાનો લાભ લઇને સરકારને ઉંબરે પહોંચી ગયા હતા, ને 'રિક્રુટીંગ' ઑફિસરોનાં ચગદાં ધારણ કરી સર્વ ગુનાઓથી પાવન થઇ ચૂક્યા હતા. એમાંના બે-ત્રણ ચહેરાઓની તો પિનાકીને અણસાર યાદ આવતી હતી. મોટાબાપુજીની નોકરી દરમિયાન એ બે-ત્રણ જણા એજન્સીમાંથી બરતરફ થયા હતા. અત્યારે તો તેઓ ગોરા અને કાળા મોટા મોટા હાકેમોની જોડે હાથ મિલાવી રહ્યા છે! ને મોટાબાપુ મારા... એને કાળ ખાઇ ગયો.

ઘોડાગાડી કરીને પિનાકી રસ્તે પડ્યો. પણ જ્યારે ગાડીવાળાએ એને જવાનું ઠેકાણું પૂછ્યું ત્યારે જ પિનાકીની આંખ ઊઘડી કે પોતે દેવુબાની દેવડી પર જઇને બિસ્તર શી રીતે ઉતારી શકવાનો હતો? પોતે જ્યાં પરોણો બનવા જઇ રહ્યો હતો એ કાંઇ દસ વર્ષ પૂર્વના દાનસંગકાકાની દીકરીનું ઘર થોડું હતું? એ તો હતો રાજમહેલ. ને મહેલોને મહેમાનો ખખડાવી શકે એવી સાંકળો નથી હોતી. રાજમહેલોને આંગણાં પણ નથી હોતાં. રસોડામાં રોટલા કરતી બાને 'મે'માન આવ્યા! મે'માન' એવી વધાઇ દેનારાં જે છોકરાઓ સાધારણ ઘરને આંગણે રમે છે, તે છોકરાં રાજમહેલોમાં રમતાં નથી. ખડકી ઉપર ઊતરનારો અજાણ્યો અતિથિ અંદરના ઊંબરા સુધી પહોંચે તેટલી વારમાં તો પોતાનું સ્થાન ઘરની ધરતી ઉપર આપોઆપ કરી બેસે છે. રાજમહેલો આવા અતિથિભાવને ઓળખતા નથી.

"દેવુબા સાહેબને ત્યાં જવું છે, ભાઇ તમારે?" ગાડીવાળો નવાઇ પામ્યો:

૨૧૧
સોરઠ તારાં વહેતાં પાણી