પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે, મહીપત!" બૂઢ્ઢાએ કહ્યું : "તું શું જનોઈ વગરનો છો ને?"

"હાસ્તો ; જનોઈ બાપડી પિસ્તાળીશ વર્ષે આજ લેખે લાગી! ત્રાગડા બદલી-બદલી હું તો કંટાળ્યો હતો. પણ માતાજીએ ખરો જવાબ દીધો."

"તે ઋષિમુનિઓ કાંઈ ઓછા દીર્ઘદૃષ્ટિ હશે, મહીપત? પણ, ભાઈ, હવે તું ઊઠતો નહિ ને ઊઠવું હોય તો પછી બોલતો નહિ. તારે ગળે જનોઈ નથી તે પાપ લાગે - ખબર છે?"

"તમારી કને બીજી છે, બાપુ?"

"હા, લે કાઢી આપું." એમ કહી ડોસા પોતાની જનોઈના જોટામાંથી એક જુદી પાડવા લાગ્યા, ને બોલતા ગયા : "આયે કેટલું ડહાપણનું કામ છે! બાયડીની જનોઈ પુરુષોને પહેરવાની ઠરાવી તેનો હેતુ પણ આ જ હશે ને?"

ટૂંપાતો આદમી નીચે પડ્યો બોલવા પ્રયત્ન કરતો હતો : "હું - હું - ઉ - ઉ પસાયતો."

"તું પસાયતો?" તારાઓના તેજમાં ઝીણી નજરે જોતાં લૂંટારો ઓળખાયો.

અમલદાર નીચે ઊતરી ગયો. પેલાનો ટૂંપો કાઢી લીધો. એ અધમૂઆને ઊભો કર્યો, ને એક તમાચો ઠોકીને કહ્યું : "ધૂળ પડી આ ધિંગાણામાં; મેં તો ગર્વ કર્યો'તો કે કોઈક મીર માર્યો મેં આજ. હટ, બેવકૂફ!"

પેલો હજુ ઊભો નહોતો રહી શકતો. એને ઉપાડીને ગાડાની ઊંધ ઉપર નાખ્યો, ગાડાનાં આડાં જોડે જકડી બાંધ્યો ને પછી ગાડું હંકાવ્યું.

રસ્તે એ અધમૂઆને મહીપતરામ વાતો સંભળાવતા આવ્યા : "ગાંડિયા! તેં માન્યું કે તું કાઠિયાણીને ધાવ્યો છો ને મેં તો કોઈ ફૂવડ બામણીનું જ દૂધ પીધું છે! પણ, બચ્ચા, તું ને હું બેય, આ જો, આ પહાડને જ ધાવ્યા છીએ. તું ગીરને ધાવ્યો, તો હું ઈડરિયા ડુંગરને ધાવ્યો. નીકર ગુજરાત છોડીને આંહીં હું કાઠીઓને માથે જમાદારું કરવા ન આવ્યો હોત, દીકરા મારા! પહાડને ખોળે બામણ, કાઠી અને હીંગતોળ - એવા ભેદ નથી હોતા, હો કાઠીભાઈ!"

૧૪
સોરઠ તારાં વહેતાં પાણી