પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ગાડી સામેથી નો'તી આવી?"

"ઊભા રો'ને!" પિનાકી મુંઝવણમાં પડ્યો.

"પ્રથમ જ વાર પધારતા લાગો છો."

પિનાકી ન બોલ્યો.

"રાજના મેમાન થવું હોય ને, ભાઇ, ત્યારે આગલે જંક્શનથી એક અર્જન્ટ તાર ઠોકરડી દેવો ને બે'ક સ્ટેશન બાકી હોય ત્યાંથી સેકન્ડ ક્લાસની ટિકિટ કઢાવી લેવી : સું સમજ્યા, સાહેબ? પછી ભલે ને આપ છ મહિના ઉતારામાં પડ્યા રહો, કોઇ ખાસ ન કહે. સું સમજ્યા, મે'રબાન? હું તો કહું છું કે હજી પાછા જઇને આ ઇલાજ અજમાવો. પછે મને અહીં મળો ત્યારે સુનકારો કરજો - કે,ના, કાંથડ, તારું કે'વું સોળે સોળ આના સાચું પડ્યું!"

ને કાંથડ ગાડીવાળો ધીરે ધીરે ઘોડાગાડી આગળ લેતો લેતો એક ઝપાટે કહેવા મડ્યો: "હમણાં જ અમારે રાજમાં એક રોનક બન્યું'તું: કોઇક ઉત્તર હિન્દુસ્તાનની ફસ્ત કીલાસ રિયાસતના પાટવી સા'બ પધાર્યા'તા. નહિ નહિ ને બે વરસ મેમાન રિયા. મરહૂમ બાપુ ભેળા ખાણાં ખાધાં, શિકારું કર્યા, એ..યને તમે જુઓ તો, સેલગાઉં કરિયું, ને દેવુબા સાબના હાથની પણ રસોઇયું જમ્યા; ને છોકરિયુંની નિશાળ પણ ખુલ્લી મૂકી. પછે અમારા દોલતસંગજી સાહેબે ભોપાળું પકડ્યું: એ નામની કોઇ રિયાસત જ ન મળે! બનાવટી કુંવર પોપટની જેમ બધી બનાવટ કબૂલ કરી ગયા. તે પછી એમને ઠેઠ વઢવાણ જંક્શન સુધી ફસ્ટ ક્લાસની ટિકિટ કઢાવીને વળાવી આવ્યા. આ એવું છે રાજનું તો!"

“હું તો વિદ્યાર્થી છું. ને મને દેવુબા સાહેબ મદદ આપે છે, તેની બાબતમાં મળવુંછે." પિનાકીએ કહ્યું.

"ત્યારે તો મળી રહ્યા. એ તો આજ સાંજની ગાડીમાં જાત્રાએ નીકળનાર છે. અત્યારે તો તમારો ભાવ પુછાય તો મારું નામ કાંથડ નહિ!"

"તો કોઇ ધર્મશાળામાં હાંકશો, ભાઇ?"

"હા, ખાસી વાત. બાકી, અટાણે દેવુબા સાહેબને એની જાત્રાયું ને એની હજાર જાતની જંજાળું. એમાં તમ જેવો નિશાળિયો તો સંજવારીમાં જ નીકળી જાય ને! દેવુબા એટલે અટાણે શી બાબસ્તા!"

"શી વાત?"

૨૧૨
સોરઠ તારાં વહેતાં પાણી