પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અક્ષરે, બૂઠી પેનસિલોના અક્ષરે, ચૂનાની પડતરી પર ચીરા પાડતા નર્યાં કોઇ અણીદાર લોઢા-લાક્ડાના અક્ષરે, કાતર, સોયા અને બાવા ફકીરોની છૂરીની અણી વતી લખાયેલા અક્ષરે, અનંત લાગે તેવી ભાત પાડીને ચીતરાયા હતા. ને એ ચિતરામણ ગઇ કાલની રાજરાણીની આજે મચેલી ચકચારનું ચિતરામણ હતું. લોકોએ ઇતિહાસ લખ્યો હતો. દોહરા ને સોરઠા જોડી જોડી કંડાર્યા હતા. કોઇ વિદ્વાન મુસાફરે તો વળી મુસાફરખાનાને એક કાવ્યવ્યપ્રસંગથી પણ શણગાર્યું હતું. એક સુંદર મોં અને એની સામે એક કદરૂપ મોં - એવાં બે સ્ત્રીનાં મોરાં ચીતરીને નીચે એક્કેક લેખ લખ્યો હતોઃ 'લૂક એટ ધિસ ફેસ એન્ડ લૂક એટ ધેટ (આ મોં નિહાળો, ને પછી પેલું મોં નિહાળો)!'

થોડીવારે ત્યાં એક માણસ આવ્યો. એના હાથમાં એક કૂચડો હતો. ડબામાં કૂચડો બોળીબોળીને એ દીવાલ પરના લોક-લેખોને ભૂંસવા લાગ્યો.

એક પોલીસ ત્યાં ચોકી કરતો હતો. તેણે ચૂનાવાળાની પાસે આવીને કહ્યું: "ભગત! ખડી જરા ઘાટી કરવી'તી ને! આ તો એકોએક અક્ષર માલીપાથી ડોકિયું કરે છે!"

જવાબમાં -

ધોયાં ન ધોવાય,
લુયાં લુવાય નહિ;
જાળ્યાંબાળ્યાં જ જાય
પાતક તારાં પાણિયા!

– એવા આપજોડીયા સોરઠાને ચૂનો છાંટનાર પોતાના ઘંટલા જેવા ગળા વચ્ચે ભરડવા લાગ્યો.

"રગ રે કવિ! રંગ દુવાગીર! તું તો ભાવેશરના મેળામાં ભલભલાને ભૂ પાઇ દઇશ." એવું કહીને પોલીસે પોતાની છાતીમાંથી ઈયળ જેવો બળખો કાઢ્યો ત્યારે ધર્મશાળાની કૂંપળદાર નાની લીંબડી ઉપર પીરોજી રંગનું એક જાંબુડાં જેવડું પક્ષી હીંચકતું હીંચકતું ગાતું હતું. એના ગાનમાં ઝરણના નીર હતાં, વાદળની નીલપ હતી.

પિનાકીએ એવું પંખી ઘણાં વર્ષો પછી જોયું. આઠ-દસ વર્ષો પહેલાં જોયું હતું - દીપડિયા વોકળાને કિનારે, બોરડીના ઝાળામાં બોર વીણવા પોતે

૨૧૪
સોરઠ તારાં વહેતાં પાણી