પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લખ્યું હતું કે જોવા જવું કે ન જવું તે મરજિયાત છે."

"તમે વિદ્યાર્થીઓમાં એ જોવા જવા વિરુદ્ધ ચળવળ તો કરી હતી ને?"

"ના; મેં તો કહ્યું કે હું નથી જવાનો."

"પણ તમે છોકરાઓનાં મન ઉપર ખોટી અસર કરી તે તો ખરી વાત ને?"

પિનાકી મૂઢ જેવો ઊભો રહ્યો. શિરસ્તેદારે કહ્યું: "બોલો, સહી કરી આપશો?"

જવાબમાં 'ના-હા-ના' એવા ઉચ્ચરો, કોઈ ભૂતગલીમાં દોડ્યા ગયેલાં નાનાં નાનાં છોકરાંની પેઠે, ગળાની અંદર જ દોડી ગૂંચવાઈ ગયા.

પિનાકીને દયામણું મોં કરતા આવડતું નહિ, એ રોષ પણ સળગાવી શક્યો નહિ. અઢાર વરસની અંદરના છોકરાઓને અકળાવતી જે વિચિત્રતાઓ, તેમાંથી પિનાકીએ પોતાનો રસ્તો ન જોયો. એ ફક્ત આટલું જ વાક્ય લાંબે ગાળે બોલી શક્યો: "ઠીક ત્યારે, હું પછી વિચાર કરીને આવીશ."

એને હેડમાસ્તર પર દાઝ ચડી. ગોરા સાહેબ પર એણે દાંત કચકચાવ્યા. શિરસ્તેદાર પણ કેવા ઠંડાગાર કલેજે વાત કરતો હતો તે યાદ આવતાં તેને ખિજવાટ આવ્યો. દેવુબાએ પોતાને રઝળાવ્યો છે, એવી જાતની ધૃણા ઊપજી. મોટાબાપુજીને આટલો બધો મિજાજ કરીને મરી જવાની શી જરૂર હતી, એ સવાલ પણ એના દિલનો કાંટો બની ગયો. આખી દુનિયા એની દુશ્મન ભાસવા લાગી. સર્વે જાણે કે સંપ કરીને પોતાનો ભુક્કો બોલાવવા માગતા હોય એવો એને ભાસ થયો. એણે પોતાના હાથ હવામાં વીંઝ્યા. પછી તો મોં પર માખી બેસવા આવી તે પણ તેને કાવતરાખોર લાગી. એને રસ્તે ચાલતાં ઠોકર લાગી તેમાં પણ એને પોતાના પ્રત્યેનું કોઈ ઈરાદાપૂર્વકનું શત્રુકાર્ય કલ્પ્યું. માણસની - ખાસ કરીને કાચેરી વયના જુવાનની - કલ્પના જ્યારે આવે ચકડોળે ચડે છે ત્યારે એને આખું બ્રહ્માંડ પોતાની આસપાસ ચક્કર ફરતું લાગે છે.

૨૧૬
સોરઠ તારાં વહેતાં પાણી