પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોહરિયું બાંધી લીધું હતું. એના ફાટેલા કપડાં વાંદરાને શરીરે રુંછા હોય છે તેના કરતાં જરી પણ વધુ રક્ષણ શરીરને આપતાં નહોતાં.

"કેમ રોવો છો ભાઇ? કોણ - કોઇ..." ખેડૂતને કોઇક સગુંવહાલું મરી ગયું હોવાનો વહેમ આવ્યો, કેમકે તે સિવાયનો કોઇ જીવન-પ્રસંગ ખેડૂતને રોવા જેટલો વિસામો આપતો નથી.

"ના રે, નરસીભાઇ," મોટીબા પણ ભીની પાપણે જ બોલ્યાં: " એ તો ગાય વેચી ખરી ને, તે.. એમ કે ભાણાને ગાય જરા વા'લી હતી."

"ઓય ભાણાભાઇ!" ખેડૂતને આ ઉજળિયાત આપત્તિમાં રમૂજ લાગી. "સગી બાયડી અને છોકરાં વેચી નાખનારાને કે'દી જોયાં કે સાંભળ્યાં નથી લાગતાં! રોવે જ ને!"

ભણેલા પિનાકીને આ ચીંથરેહાલ માણસની મશ્કરી લજ્જાપદ લાગી. બાયડી અને છોકરાંના વેચાણની કોઇક પરીકથા સાંભળવા એના કાન ઊંચા થયા.

"શું કહો છો, નરસીભાઇ?" મોટીબાએ વાત કઢાવવાનું બહાનું ઊભું કર્યું. એનો શોકનો કાળો સાડલો આગમાંથી સળગીને ઊભી થયેલી સ્ત્રીના શરીરની ખોળ સરખો લાગતો હતો. કણબીએ લાંબા હાથ કરીને કહ્યું: "શું કહો છો, શું કહો છો' શું? આ પરમ દા'ડે જ અમારા દેવરાજીયાની બાયડીને ઉપાડીને કબાલાવાળા સંધીઓ હાલ્યા ગયા. ને મારી જ દસ વરસની છોકરીને વીરચંદ શેઠના મારી કનેના લેણા પેટે શેઠને ઘેર મારે મૂકવી પડી છે. મળવા જાઉં છું. તો મોઢુંય જોવા નથી પામતો."

"કેમ?"

"શેઠાણી કામમાંથી માથું ઊંચું કરવા જ દીયે નહિ. મારો છોકરો માંદો હતો ત્યારેય ન મોકલી ને!" એમ કહેતાં નરસી પટેલે પોતાના કાંડા વતી નાકનાં પાણી લાંબે લસરકે લૂછ્યાં.

પિનાકી જોતો હતો કે આવી વાતો કરનાર માણસના કંઠમાં કોઇ વેદનાનો ઝંકાર પણ નહોતો: એ જાણે મેથી અને રીગણાંની વાતો કરતો હતો.

"છોકરી ગજાદાર છે?" મોટીબાએ પૂછ્યું.

"ગજાદાર તો ક્યાંથી હોય? એની માને મૂએ ને મારી ભેંસને મૂએ આજે

૨૧૮
સોરઠ તારાં વહેતાં પાણી