પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચ વરસ થયાં. પણ દસ વરસની છોકરી ગજાદાર હોય કે ન હોય, કાંઇ નાની ન કહેવાય, બા? એનો સસરો રાડ્યેરાડ્યું દીયે છે, કે ઝટ વિવા કર! - વિવા કર!"

"વિવા? અત્યારથી?"

"તયે નહીં? એમાં એના સસરાનોય શું વાંક? દસ વરસની વહુ ઘરમાં હોય તો રોટલા ટીપ્યા કરે ને! વાસીદાંબાસીદાંય કરવા લાગે ને! એની બચાડાની દૂબળી ખેડ્યમાં દસ વરસની વહુ સો રુપિયા બચાવી દીયે ને! પણ આંહીંથી એને વીરચંદ વાણિયો શેનો છોડે? એને છોડાવું તો વીરચંદ લેણું વસુલ કરવા કોરટે ધોડે. દઃખ કાંઇ થોડાં છે?"

એમ બોલીને ખેડુત હસ્યો. પિનાકીના સ્થિર બનેલા મોં પરથી આંસુ સુકાઇને લપેડા રહ્યા હતા. વહાલી ગાયની જુદાઇ એને સતાવતી ઓછી થઇ હતી, કેમકે એણે વહાલી વહુ -દીકરીઓનાં વેચાણોની કથા સાંભળી. એવી કથાનો કહેનારો ઊલટાનો હસતો હસ્તો પાછો ચાલ્યો ગયો. એની વેદના ઉકરડાની ધૂળ ભેગી ધૂળ થઇ ગઇ.


46. એ બહાદુરો ક્યાં છે?


1918મું વર્ષ : અગિયારમો મહિનો : અગિયારમી તારીખ : અગિયારના આંકડા પર ઘડિયાળના કાંટા ચડ્યા : અને તારનાં દોરડાં ગુંજી ઊઠ્યાં. તોપોના અગિયાર-અગિયાર ધુબાકાએ હવાને ધુણાવી મૂકી.

જગતનાં હથિયાર હેઠાં મુકાયાં. તલવારો મ્યાન બની. જીવતા હતા તે જુવાનો પડઘમોના પ્રેમ-સ્વરો જોડે તાલ પાડતાં, પગલાં દેતાં ઘેર ચાલ્યા. મૂઆ હતા તેમનાં માતાપિતાઓને ખોળે લશ્કરી ચાંદ અને ચગદાં રમ્યાં. લાખો અનામી લડવૈયાઓનાં નામ પર એક એક ખાંભો ખડો થયો હતો. એવા ખાંભા તે દિવસે ફૂલોના હારો તળે ઢંકાયા.

યુદ્ધવિરામનો દિવસ હતો. ગામડે રમાતી નવકૂકરીઓની રમતો તે દિવસે

૨૧૯
સોરઠ તારાં વહેતાં પાણી