પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયું? અમને બસરે મોકલ્યા તયેં અમે સરકારના લાડકા દીકરા હતા, ને આજ પાછા ત્યાંથી અમને કોઈ ચોર-લબાડની જેમ ધકેલી શા માટે મૂક્યા? શ્યા વાસ્તે અમારી આંહીં કોઈ સાર નથ લેતું? આ ત્રણ-ત્રણ મહિનાનાં અમારાં પેન્શન પણ કેમ અટકીને ઊભાં છે?"

પાગલની પેઠે એ બોલતો રહ્યો, ને એજન્ટ સાહેબ, દરબાર સાહેબો, અન્ય સભાસદો વગેરેને પોલીસે પાછલે બારણેથી પસાર કરી દીધા.

"અચ્ચા! અચ્ચા! બાબાલોગ!" ગોરો હાકેમ પ્રલાપને રૂંધતો એકલો ઊભો. "ટુમ કીડરસે આટે હો?"

"આપણે ગામથી, સા'બ; વિક્રમપુરથી. અમને ન ઓળખ્યા? હું વીરમ, આ ભાણો, પેથો..." બોલનાર આગેવાને ઓળખાણ કરાવવાનો પ્રયત્ન માંડ્યો.

ગોરા હાકેમે પોતાની આજુબાજુ જોયું. ડાબી બાજુ જરા દૂર સુરેન્દ્રદેવજીને ઊભેલા જોયા. પોતાના હાથ વચ્ચે સુરેન્દ્રદેવની ગરદન ચીપીને કેરીના છોતરાની માફક ફગાવી દેવાનું એને દિલ થયું પણ એણે મિજાજને મ્યાન રાખ્યો. એણે પેલાઓને કહ્યું: "બાબાલોગ! ઉપર ચલો! હમારે પાસ આઓ! અપને ગામ ચલો. ઈડર ગરબડ મટ મચાવો."

એમ કહીને એ બહાર ચાલ્યા ગયા, ત્યારે સુરેન્દ્રદેવજીએ પેલા ચીંથરેહાલ વીસ ખાખી પોશાકધારીઓ પ્રત્યે હાથ જોડીને કહ્યું: "કાઠિયાવાડી બહાદુરો, મારે તમારાં જ દર્શન કરવાં હતાં."

ચાલ્યા જતા ગોરાને કાને એ વાક્ય પહોંચી શકે તેટલી કાળજી તો સુરેન્દ્રદેવના કંઠે ઈરાદાપૂર્વક રાખી જ હોવી જોઈએ, કેમકે ગોરા હાકેમે એક વાર પછવાડે જોયું.

"અરે, મશ્કરી કાં કરો, બાપુ?" વીસ જણામાંથી એક જુવાનના એ શબ્દોમાં કચવાટના સૂર હતા: "અમે જાણી લીધું છે કે હવે તો અમે કાળમુખા બની ગયા."

"અમને ગાડીએ ને આગબોટુંમાં બેસાર્યા'તા તે દી જોવા આવવું'તું ને. ભાઈ મારા!" બીજાએ પણ મિજાજ ખોયો.

"હાલો હાલો હવે પાછા." ત્રીજાએ પોતાની સામેના ખંડમાં સૂનકાર જોઈ કહ્યું: "આંહીં કોની પાસે - આ મૂએલા દાઢિયાળાની છબીયું પાસે

૨૨૩
સોરઠ તારાં વહેતાં પાણી