પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેડી લાવેલ છે. તમારા લોકો અને ઈતિહાસકારો સોરઠી શૂરાતનોની વાતો લખે છે. પણ આ બહાદુરોને હાથમાં લેનાર કોઈ ક્યાં છે?"

"તમે હાથમાં લેશો?" પોલીસ અધિકારીએ પૂછ્યું.

"શા માટે નહિ? જુઓ, તમારાથી કશું અજાણ્યું નથી. તમે મારે ત્યાં આવીને આડીઅવળી, ત્રાંસી નજર કરો તે કરતાં તો હું જ તમને હમેશાં મારી પ્રવૃત્તિ ખુલાસાવાર કહેતો રહ્યો છું. હજુ પણ હું તમને વીનવું છું કે ત્રાંસી નજરે તમે મને પૂરેપૂરો નહિ જોઈ શકો : મને સામોસામ નિહાળો."

"પણ - અરે - આ -" પોલીસ ઑફિસરે પોતાની સજ્જનતાનો પરપોટો ફૂટી જતો જોયો.

"હું તમને પ્રહારો નથી કરતો. હું તમને પણ મારો સ્નેહી ગણી, એક કાઠિયાવાડી ગણી ઠપકો આપું છું કે મને સીધી નિગાહમાં નિહાળો. જુઓ, જામનગરની સીમના રાજરક્ષિત દીપડાને બથોબથ લડી મારનાર આ વખતુભા : જુઓ, એ મારી સામે જ બેઠો છે. એને દરબારે સીમનો દીપડો મારવાના અપરાધ બદલ દંડ્યો ને કેદમાં પૂર્યો. એ અત્યારે મારી પાસે આવેલ છે ને મેં એને મારી સીમમાં ખેડૂતોના ખેતરોની ચોકી કરવા રોકેલ છે. લખી લ્યો તમારી ડાયરીમાં, ને એનો ફોટો પણ પાડવો હોય તો પાડી લ્યો."

એ વખતુભા નામનો જુવાન એક ખૂણામાં ઊભો હતો. એના એક હાથના પંજા પર પાટો હતો. એ પંજાને દીપડો ચાવી ગયો હતો.

"શાબાશ!" પોલીસ-અધિકારીએ વખતુભાની સામે જોઈ આંખો એકાગ્ર કરી: "તું ક્યાંનો છે, છોકરા?"

"ક્યાંના છો તમે, વખતુભા?" સુરેન્દ્રદેવજીએ પોતાના તોછડા વાક્યને વિનયવંતું કરીને ઈરાદાપૂર્વક્લ સુધાર્યું છે, તે વસ્તુ પોલીસ-અધિકારી જોઈ શક્યા.

"સડોદરનો છું." વખતુભાએ સુરેન્દ્રદેવજી સામે જોઈને જવાબ વાળ્યો.

"અને ઓલ્યો રઘુવીર પણ આપને ત્યાં રહીને રસ્તે ચડી ગયો, હો!" પોલીસ-અધિકારીએ પોતાની ગરુડ-દૃષ્ટિ પુરવાર કરી.

"શા માટે ન બને? એનો પૂર્વ-ઈતિહાસ હું પૂછતો નથી. કોઈ કહે છે કે એ સરકારી જાસૂસ છે ને કોઈના પ્રમાણે એ નાસી છૂટેલો રાજદ્રોહી જન્મટીપિયો છે. મેં તો એને ગામેગામ અખાડાની જ કામગીરી સોંપી છે. મારા

૨૨૭
સોરઠ તારાં વહેતાં પાણી