પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાના બેઉ પંજાઓનાં દસ આંગળાં પર દૃષ્ટિ કરીને એ બબડ્યો: "વાણિયાઈના રંગનો ક્યાંય છાંટોય ન રહ્યો."

પછી એણે નજર વિસ્તારી: પાળના પડછંદ બાંધકામ ઉપર સરોવર-શા ઝીલતા નદીપટ ઉપર, અને તેનીયે ઉપરવાસ કાળમીંઢોના ગદેડા સોંસરી ચાલી આવતી હાલારી નદીની વાંકીચૂંકી નીક ઉપર.

વળાંક લઈને એ નજરે પોતાની સીમને માથે પાંખો પસારી : આંબાનું એક હજાર થડવાળું આંબેરણ : પચાસ વીઘામાં હેલે ચડેલો શેરડીનો વાઢ : આંગળીઓએ કેટકેટલી કલમોનાં આંતરલગ્નો ઊજવી સોરઠભરમાં ક્યાંય ન જડે તેવા નવીન રસ-સુગંધનાં તેમજ ઘાટઘાટનાં ફળોની સુવાવડ કરાવી હતી.

નદીને એક બાજુ આવી વસુંધરા, ને સામે કાંઠે એવા જ સજીવન કૂવા-વાડીઓ. બંદૂકધારીએ નિહાળીને વાડીઓના ઊંચા વડપીપળા પર મીટ માંડી. એ હસ્યો ને બબડ્યો: "આ વાડિયુંના માલિકો મને મારવા આવનારા! 'બચાડું વાણિયું શું અમારે નદીકાંઠે કરશે?' એમ ડાઢીને મારા પાળાનું ચણતરકામ ચૂંથનારા : મારાં હાથ-હાથ-વા લાંબા મરચાંની મરચિયું ગૂડી જનારા : આજ કેવી લીલાલહેર થઈ ગઈ છે એને! પાળો મેં બાંધ્યો, પણ મારા સંઘરેલાં પાણીએ નવાણ એમનાં સજીવન કર્યાં. હવે પૂજે છે મને! મારી તાકાત હોત, ને આ રજવાડાંના ઘોલકાંઘોલકીને ભાંગી કરી મારા રાવળજી બાપુ જેવા એકને જ ઘેર આખી સોરઠ ધરા પધરાવી શકત, તો તો કાઠિયાવાડની ફુલઝપટ નદીયુંને નાથી લઈ કુત્તા ખારા-ધુધવા દરિયાને ડાચેથી તો આ બધાં પાણીને પાછાં વાળી લેત."

એની નજરમાં આખી ધરા તરવરતી થઇ. એ બબડતો રહ્યો: "ભાલ બાપડો! ભાલ શા માટે પાણી વગરનો સળગે? રાંકાં એનાં માનવીઓ ધર્માદાના લોટકા પી પી જીવે? હેઠ નામર્દ કાઠિયાવાડ! ડુંગરે ડુંગરનાં પાણી ન સંઘરાવી લેત હું?"

સૂર્ય ચડતો હતો. એનો જમણો ગાલ વધુ ને વધુ કાળપ ઘૂંટતો હતો. એણે બંદૂકનો પટો ગળામાં નાખ્યો. એ બબળ્યો: "આ મારી જનોઇ!"

પાળા ઉપર થઈને એ નદીની ઉપરવાસ ચાલ્યો, આંખો પર હાથની

૨૩૩
સોરઠ તારાં વહેતાં પાણી