પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"રાજકોટની નાટકશાળામાં રાજસિંહનો ખેલ હતો. તમે તે રાતે, બાપા રાણીપાઠ કરનાર છોકરાને પોશાકનું ઈનામ આપેલું: યાદ છે?"

"બહુ વહેલાંની વાત!"

"સાત સાલ પહેલાંની વાત. આપનો લેબાસ પણ તે દી તો..."

બંદૂકધારીએ જોયું કે સુરેન્દ્રદેવજીને આ સ્મરણો ગમતાં નહોતાં. એટલે એણે વાત પડતી મૂકીને કહ્યું: "જાણે વાસુકીએ કાંચળી ઉતારી નાખી."

"બસ?" સુરેન્દ્રદેવજી હસ્યા: "અંદરખાને તો સાપનો સાપ જ રહ્યો છું ને?"

"સાપ તો હજો આપના શત્રુઓના. હું તો વગડાનો વાસી છું. સાપ જોડે ભમું છું. વાદીના મૂઠને ન માને એવા વિષધર મને ગમે છે."

મૂઠ તો પડી ચૂકી છે, શેઠ!" સુરેન્દ્રદેવજીએ કહયું.

"હાં. આંહી બધીય વાતું મારે કાને પડે છે. જાણું છું."

"માટે જ કહ્યું ને મેં કે છેલ્લી વારકો શેઠની શેરડીનો સ્વાદ લેવા આવેલ છું." કહેતાં કહેતાં સુરેન્દ્રદેવજીની લાલચટક મુખમુદ્રા ઉપર વાદળીઓ ભમવા માંડી.

"શા માટે બલિદાનના બકરા બનો છો?"

"શું કરું? કાળી ટીલી કરાવું તો જ સોરઠમાં જીવી શકાય તેવું છે."

"ના, બાપા!" 'ટીલી' શબ્દ સાંભળતાની વાર જ બંદૂકધારીની મીટ મહેમાનના લલાટ પરના નાજુક લાલચટક ચાંદલા પર લાગી. આવેશમાં આવીને એ બોલી ઉઠયો: "વાહ! લલાટની એ લાલ ટીલડી તો નથી જ ગઈને શું!" જેવા છેલ છબીલા જોયા'તા તેવા ને તેવા આજ જોઉં છું. બે જુગના સીમાડા ઉપર આ એક લાલ ટીલી જ અનામત રહી છે, ને રે'વાની છે."

વાડીની વૃક્ષ-ઘટા નીચે ત્રણ જણાનાં મોં પર ઊગતા સૂર્યનાં તીરછાં કિરણો સોના- રસ રેલાવતાં હતાં. વાઢમાંથી શેરડીની અને વાડીમાંથી બકાલાની, પપૈયાંની, દ્રાક્ષ, કેળાં અને ચીકુ વગેરેની સુવાસ ઘૂંટી-કરીને કોઈ એક માદક મિશ્રણની પ્યાલીઓ ભરી ભરી હવાની લહેરો ચાલી આવતી હતી.

"એલા, આજે ઢોલિયો ન પાથરતો." બંદૂકધારી શેઠે બંદૂક નીચે ઉતારીને મોં ધોતે ધોતે પોતાના નોકરને કહ્યું. પથરાયેલું બિછાનું સંકેલાવા લાગ્યું.

૨૩૬
સોરઠ તારાં વહેતાં પાણી