પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શિકાર- શિકાર તો આપે બહુ ભારી કર્યો હો બાપુ!" ખેતીકારની જબાન બીજી કોઈપણ જાતની વિધિ કરવાનું વીસરી બેઠી.

"હા ખૂબ મુશ્કેલી -" આવું બોલતા જતા રાવલજીની જીભ થોથરાઇ ગઈ; કેમ કે પોતાના ખેતીકારની મુખમુદ્રા પર એણે પેલા શબ્દોનો ઉજાસી ભાવ ભાળ્યો નહિ. ને રાવલજીના થોથરાતાની જ વાર ખેતીકારે હિમ્મત કરી કહ્યું: "નવલખા ધણીને શોભે તેવો શિકાર કર્યો, બાપુ!"

"કેમ? તમે આ કોની -"

"હું જાણું છું કે હું કોની સામે બોલું છું. હું રાવલજીનો જ આશ્રિત ખેડુ, ગાદીના ધણીની જ સામે, ઓગણીસસો ને વીસની સાલમાં આ બોલી રહ્યો છું."

"તમારે શું કહેવું છે?"

"એટલું જ કે બાપુ! તમે આજ એક જાનવર ઉપરાંત ત્રણ માણસોનાય શિકાર ખેલ્યા છો."

રાવલજીના મોં પર રુધિરનો ધમધમાટ થઈ રહ્યો, એટલે વાણિયો ખેડુ વધુ ગરમ બન્યો: "તમે જેની વીડી સળગાવી મૂકી એ ત્રણ જણાં આ ચાલ્યા જાય ધા દેતા. જરા ગાડીને વેગથી ઉપાડો, તો બતાવું."

રાવલજીનું મોઢું પડી ગયું. એ ગાડીમાંથી નીચે ઉતર્યા. એણે નરમ બનીને કહ્યું: "આખી વીડી સળગી ગઈ?"

"પાંચાલનું લાંપડું સળગતા શી વાર?"

રાવલજીએ ધુમાડાના થાંભલા ગગને અડતા જોયા. વીડીના ઘાસમાંથી નીકળતા ભડકા દિક્પાળના વછૂટેલા દીપડાઓ જેવા દીસ્યા.

"કેટલી નુકશાની થઈ હશે?"રાવલજીએ પસ્તાવાભર્યા સ્વરે પુછ્યું.

"એ મને ખબર નથી બાપુ."

"અત્યારે આટલું કરશો તમે, શેઠ? નુકશાની નક્કી કરજો. તમારી જીભે જે આંકડો પડશે, તે ચૂકવી અપાશે."

પછી કોઈ કશું બોલી ન શક્યું. સ્મશાનયાત્રા જેવી રાજસવારી શેઠની વાડીએ ગઈ. ત્યાં રાવલજી એકાદ કલાક રહ્યા. આખો વખત એના મોં ઉપર અપરાધીપણું તરવર્યા કરતું હતું.

૨૪૧
સોરઠ તારાં વહેતાં પાણી