પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શું છે?"

"આ જુઓ, ટાઢીબોળ થઈને પડી છે."

"કોણ - નંદુ?"

"હા."

સુવાવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો. બરફમાંથી કાઢેલ સોડાની બાટલી સરખું એનું શરીર હતું.

"આ અભાગિયાની ફાળ ખાઈને પડી છે દીકરી."

"- ને મેં આને જીવતો રાખ્યો! આ ભેરવને?" દાંત ભીંસીને બોલતા મહીપતરામે પસાયતા સુરગ ઉપર ગડદાપાટુના મૂઢ માર શરૂ કર્યા.

"હં-હં-હં, બાપુ, તમે એને વારો, એનો હાથ ઝાલો. મારા ખોળામાં આનો દેહ છે. એને વારો." વહુએ સસરાને પોતાની લાજમાંથી વીનવ્યા.

"મહીપત!" વૃદ્ધે પોતાનો દેહ સુરગની આડો પાથરીને પુત્રની ક્રૂરતા અટકાવી. "દીકરા! બ્રાહ્મણ છો? સંસ્કાર વિનાનું શૂરાતન બ્રાહ્મણને શોભે? ખબરદાર, હેવાન, જો એ શરણાગતને હાથ લગાડ્યો છે તો."

"મારી દીકરી!!!" મહીપતનો કંઠ શેકેલી સોપારીની પેઠે ફાટ્યો.

ડૂસકાં ખાતી પત્ની બોલી : "એમાં આ બચારાનો શો દોષ! આપણને આંહીં ફગાવનાર તો બીજા છે."

"કોઈને દોષ ન દેશો, વહુ!" ડોસાએ હસીને કહ્યું : "આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું. ખભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવા-મારવાનો ને પહાડે-સમુદ્રે ફેંકાવાનો શો ઉચાટ, શો ઓરતો! આ તો રજપૂતી છે. હિંમત રાખો. હમણાં સામું ગામ આવશે, ને ત્યાં બધી ક્રિયા કરી લઈશું."

ભાણાને પૂરી ગમ નહોતી પડી. પ્રશ્ન પૂછવાની એની હિંમત નહોતી. ગામ પાદરની પોચી ધૂળમાં મૂંગો ચીલો આંકતાં પૈડાં માતાના માંસલ શરીર પર ઘૂમતા બાળક જેવાં લાગતાં હતાં.

૧૭
સોરઠ તારાં વહેતાં પાણી