પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધણીનું એ છેલ્લું ફરમાન બૂઢા તમાચીને બહુ મીઠું લાગ્યું. એ ચડી ગયો.

"વજાભાઈ," શેઠે સાંજે વાળુ કરીને હોકો પીતે પીતે પોતાના વહીવટકર્તાને ભલામણ કરી: "નવા ઘઉંનું ખળું થાય, તેમાંથી એક ગાડી નોખી ભરાવજો. એક ઘીનો ડબ્બો જુદો કઢાવજો, ને એક માટલું ગોળનું. આપણે રાજકોટ મોકલવું છે."

"ક્યાં?"

"હું ઠેકાણું પછીથી કહીશ. પણ કોઈને ખબર ન પડવી જોઈએ."

રાતે શેઠ રખોપું કરવા ચાલ્યા ત્યારે એને પહેલી જ વાર એક પ્રકારની એકલતા ખટકી. એને ઉચાટ પણ થયો: "મેં ભૂલ કરી. મિયાણો કયાંઇક છોકરાને હેબતાવી ન બેસે. બૂઢો કાંઈ કમ નથી! મેં પણ કાંઈ ઓછા નંગ એકઠાં કર્યાં છે! ચોરી-ડાકાયટીમાં ભાગ લીધેલા ભારાડીઓનો હું આશરો બન્યો છું. પણ હું હુંકાર શેનો કરું છું? આશરો તો સહુને આ ધરતીનો છે. એક દિવસ ધરતીનો ખોળો મૂકીને લાગી નીકળેલા આ બધા થાકીને એ ખોળે પછા વળ્યા છે. ઠરીને ઠામ થઈ ગયા બચાડા. શા માટે ન થાય? આંહી એની તમામ ઉમેદો સંતોષાય છે. તમાચીનો જીવ શિકારનો ભૂખ્યો હતો. એના ગામની સીમમાં એણે કાળિયાર માર્યો, એટલે જીવદયાળુ મા'જનનો એ પોતે જ શિકાર થઈ પડ્યો. મારપીટ કરીને કેદમાં ગયો. આંહી તો એને કોણ ના પાડે છે! માર ને, બચ્ચા, ખેડુના ખેતરો સચવાય છે!

"એક-એક બંદૂક!" રાતના સીમ-રક્ષક પોતાની બંદૂકને હાથમાં લઈને બોલ્યો: "હરએક ખેડૂતના પંજામાં આવી બે-જોટાળી એક્કેક બંદૂક હું જે દી ઝલાવી શકીશ તે દી હું ધરાઈને ધાન ખાઈશ. આજ તો હું એકલો મરદ બનીને આ માયકાંગલાઓની વચ્ચે જીવતો સળગી મરું છું.

૨૪૪
સોરઠ તારાં વહેતાં પાણી