પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બહારને ઓટે."

"તેં શું જોયું?"

"એક આદમીને."

"પોલીસ હશે."

"શા માટે?"

"તને ખબર પડ્યા?"

"શાના?"

"જેલ તોડીને તારી મામી ગઈ તેના."

"ક્યારે?"

"પરમ દા'ડે રાતે. અને કાલ સવારથી આપણા ઘર ઉપર પોલીસની આવજા થાય છે. મને પણ પૂછપરછ કરવા પોલીસનાં માણસો આવવા માંડ્યા એટલે મેં સંદેશો મોકલ્યો, ભાઇ! હું પોતે ઘરડી આખી ઊઠીને ટ્રામના સ્ટેશને જઇ કાગળ આપી આવી'તી."

પિનાકી ચૂપ થઈ ગયો. ડોશીએ કહ્યું: "તારા બાપુજીની હાકેમી હતી ત્યારે પોલીસ આપણે ઘેર આવતો ને આજ આવે છે, એમાં બહુ ફેર પડી ગયો છે, ભાઇ! મને જૂના દિવસો સાંભર્યાને મારાથી ન રહેવાયું. આપણા ઘરને માથે હવે શું છે તે પોલીસ ચોકીપે'રા! શરમાતા નથી રોયાઓ?"

ડોશી રડવા જેવાં થઇ જતાં હતાં ને વચ્ચે પાછાં રોષ કરી ઊઠતાં હતાં. તપેલી લોઢી જાણે પાણીના છાંટા રમાડતી હતી. પછી ડોશીએ પિનાકીને ઓરડામાં લીધો. અંધારું હતું ને બારી બંધ હતી તો પણ ચોમેર તાકી તાકીને જોયું, અને હવા પણ ન સાંભળે તેવી ધીમાશથી કહ્યું: "થાણાદારની છોકરી પુષ્પા તને કાગળો લખતી'તી?"

"ના." પિનાકી આભો બન્યો.

"એ ક્યાં છે?" ડોશીએ પિનાકીને વધુ ચોંકાવ્યો.

"મને કેમ પૂછો છો? કેમ, ક્યાં છે? પુષ્પા ક્યાં ગઈ? નથી?"

ડોશીએ ડોકું હલાવ્યું.

"કાલ રાતથી નથી. એની બા આંહી શોધવા આવેલાં. મને છાને ખૂણે

૨૪૬
સોરઠ તારાં વહેતાં પાણી