પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લઈ જઈ કંઈક વેણ સંભળાવી ગયાં. છોકરી તારી પાછળ આવી હશે એવો એને વહેમ છે."

"શા પરથી?"

"તારા માથે લખેલો એનો કાગળ પકડાઈ ગયો."

"પછી?"

"એના ભાઈએ ને એની બાએ એને પુષ્કળ માર માર્યો. પોલીસમાં પણ તારું નામ ગયું લાગે છે."

પિનાકીને ભાસ થયો કે પોતે કોઈક અજાણી પૃથ્વી પર માર્ગ ભૂલીને આવી ચડ્યો લાગે છે. એ પોતાના હાથની ડાંગ પણ નીચે મૂકવાનું ભૂલી ગયો. એને પાણી પીવું હતું તે વાતની સરતચૂક થઈ ગઈ.

"મોટીબા!" એણે કહ્યું: "હું અત્યારે જ જાઉં."

"ક્યાં?"

"પુષ્પાને ઘેર."

"ના. અત્યારે નહિ. એ રોષે સળગતા ઘરમાં તારું જવું સારું નહિ, બેટા!"

ડોશી એમ કહેતાં રહ્યાં, ને પિનાકી ડાંગ લઈને ઘરની બહાર નીકળ્યો.

મૂંગા તારાઓ આજે પહેલી જ વાર એને પુષ્પાની આંખો જેવા લાગ્યા. એ તારાઓના ઝળકાટમાં કાકલૂદી હતી, ઠપકો હતો, ઘણું ઘણું હતું. પોતે ઓચિંતો જ જે પ્રભાતે સુરેન્દ્રદેવજીને જોડે રજવાડે ઊપડી ગયો હતો, તે પ્રભાતે તો પુષ્પાને મળવાનું વચન આપ્યું હતું. તે પછીથી આજ સુધી પુષ્પા એના અંતરની એકાન્તે જ પુરાઈ રહી હતી. ખરેખર શું આ છોકરીએ મારા સારુ થઈને માર ખાધો હશે? રજવાડાને માર્ગે નીકળી પડી હશે? તો આવી કાં નહિ? સામે કાં ન મળી? જ્યાં ગઈ હોય, જ્યાં ગુમ થઇ હોય, જ્યાં એનું અસ્તિત્વ હોય યા તો મડદું હોય, ત્યાં અને તે સ્વરૂપે પુષ્પા મારી કહેવાય.

"માશી!" પિનાકીએ પુષ્પાની બાને ઘેર જઈ સાદ દીધો.

"કોણ - ભાણોભાઈ?" બા દોડતાં આવ્યાં. "ભાઇ તું લાવ્યો છો પુષ્પાને? ક્યાં? ક્યાં છે? ક્યાં મળી તને?"

"માશી, મને કશી જ ખબર નથી."

"એવું ન બોલ્ય, મારા દીકરા!" કહેતી એ પુત્રીની માતાએ પિનાકીને

૨૪૭
સોરઠ તારાં વહેતાં પાણી