પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોંએ હાથ મૂક્યો. "મને આમ કહીને ન મારી નાખતો, બેટા! હું તને કહું છું કે હવે તારે કશો જ વાંધો નથી. મારી પુષ્પા તારી જ છે. તને જ હું આપી ચૂકી છું. પણ તું મને એક વાર મારી પુષ્પા જીવતી દેખાડ : બસ, એક વાર."

ગાભરી બનેલી માતાનું એવું દર્શન અર્ધી રાતના કલેજા ભેદી નાખનારું હતું. પિનાકીની જીભમાં જવાબ નહોતો.

"મને જવાબ તો આપ, બચ્ચા!" પુષ્પાની બાએ લગભગ પાગલના જેવી ચેષ્ટાઓ આદરી: "તેં એને તારા કોટમાં તો નથી સંતાડીને? તું એને બહાર ઊભી રાખીને આવેલ છો? એ મને ઓચિંતી જ આવીને બાજી પડે એવું શીખવીને તું એકલો આવેલ છો? તને એ મળી ત્યારે ભૂખી કેવીક હતી? ભૂખી તો હશે જ ને, ભાઈ! એને મારું ધાવણ ધવરાવ્યાં ઘણાં વરસ થઈ ગયા તે પછી હું એને છાતીએ લેવાનું જ ભૂલી ગઈ. હું પણ કેવી ભુલકણી! હી-હી-હી-હી-"

એમ હસીને એ આધેડ નારી હેઠે બેસે ગઈ, અને પોતાની છાતી પરથી સાડલાનો છેડો ઊંચો કરતી બહારના દરવાજા પાસેના નાના બાળકને બોલાવી રહી હોય તેમ સાદ દેવા લાગી: "પપુડી... એ પપુડી! હાલ્ય હાલ્ય ઝટ દૂ-દૂ...ઉં પીવા."

વધુ વાર પિનાકી ઊભો ન રહી શક્યો. એને પોતાની બા સાંભરી. દીકરીની માના દિલમાં પડેલી દુનિયાઓ આજ સુધી એને અકલિત હતી. એ દુનિયાઓનું દર્શન જેટલું કરુણ હતું તેથી વિશેષ ભયાનક હતું.

એ પાછો ફર્યો ત્યારે પુષ્પાની બાએ એની પછવાડે દોડીને એને ઝાલી લીધો; કરગરવા લાગી: "જો ભાઇ, ભલે તું જુદી નાતનો રહ્યો. નાતજાત જાય ને ચૂલામાં! દીકરીની માને વળી નાતજાત શી જોવી રહી? હું તો તને આપી જ ચૂકી છું, હો કે! મને સુધારો ગમે છે, હો માડી! હું કાંઈ જૂના વિચારની નથી. ફક્ત આટલું જોજે, ભાઇ, તું એક દારૂને, બીજી પરમાટીને - બે ચીજને ન અડજે. પુષ્પાના બાપા હતા, તે એ લતે ચડી ગયા'તા ભાઇ! આ તો તને એકને જ કહું છું, હો કે!"

આ બધી કાકલૂદીઓમાંથી પિનાકીના પુરુષત્વે પોતાની નપાવટ હાંસી સાંભળી. પોતની જાતને જોડા મારતો એ બહાર નીકળી ગયો.

૨૪૮
સોરઠ તારાં વહેતાં પાણી