પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બહાર પોલીસના બે માણસો બેઠા હતા. તેમાંના એક બુઢ્ઢા શંકર બારોટ હતા. તેણે પિનાકીને ઓળખીને બોલાવ્યો.

પિનાકીને એક બાજુ લઇ જઇને એણે કહ્યું: "છોકરી તમારી કને આવવા નીકળેલી તે વાતની કડીઓ મળી છે. હાલારીના નાગ-ધરા સુધીના એના વાવડ છે. ત્યાંથી પછી બાતમી આગળ નથી ચાલતી. એટલે અમને સૌને તો ફાળ પડી ગઈ છે."

"શેની?"

"પ્રવીણગઢના પાટવી કુંવરની. ત્યાં બાજુમાં જ છે. ને એનાં કામાં મશહૂર છે."

"પોલીસ તપાસ નહિ કરે?"

"રામ રામ કરો."

"કાં?"

"સૌનાં મોં માં કાગળોના ડૂચા માર્યા છે." શંકર બારોટે નોટોની રુશવત માટે ગામડિયો શબ્દ વાપર્યો. "ને પાછું ઓલી મેરાણી જેલ તોડી ભાગી છે ને એટલે એની પાછળ જ બધા રોકાઈ ગયા છે."

"ઠીક," એટલું કહી પિનાકી ઊપડ્યો. એના માથાની ખોપરીમાં કપાસ પીલવાના ચરખાઓનું આખું કારખાનું સમાઈ ગયું હોય એટલો ધમધમાટ ઊઠ્યો. એ બાળકના અજ્ઞાત અંતરમાં પહેલો જ પ્રશ્ન ઊઠ્યો કે, 'આજે - આજે આ, આ વીસમી સદીના વીસમાં વર્ષમાં શું રાજસ્થાનનો રાજકુંવર રસ્તે ચાલતી છોકરીનું હરણ કરી જઇ શકે? આ તે ક્યો જમાનો? ક્યું શાસન? ક્યા કાયદાનું રાજ? આવી એક છોકરી ઉપાડી જાય છે, છતાં હજુ રાજકોટ શહેર સૂતું છે? એજન્સીની બત્તીઓ બળે છે? એજન્ટ સાહેબના બિછાનામાં નીંદ પેસી શકે છે? વાયરા વાય છે? વકીલો પ્રેક્ટિસ કરે છે? દુનિયા શું એમ ને એમ જ ચાલે છે?'

૨૪૯
સોરઠ તારાં વહેતાં પાણી