પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

53. એ મારી છે


ત્રણ લાગણીઓનું ત્રેવડ કૌવત પિનાકીની રગરગમાં છલબલી ઉઠ્યું : એક તો, પુષ્પા મારી થવાને માટે સગી જનેતાને પણ ત્યજીને અગમ પંથે નીકળી પડી છે તે વાતનો પોરસ: બીજું મારી પુષ્પાને ભીડ પડી હશે તેની વેદના: ને ત્રીજું મારા બરડા પર સુરેન્દ્રદેવજી, રાજવાડાના શેઠ, મૂએલા મોટાબાપુજી અને રૂખડ મામાની જોગમાયા શી સ્ત્રીના પંજા પડ્યા છે.

એવાં જુદાં જુદાં જોમ અનુભવતો પિનાકી ત્યાંથી પરબારો જ ઉપડ્યો. મોટીબાની રજા લેવા એ ન રોકાયો. એનાં અંગેઅંગ તૂટી પડતાં હતાં. પણ વાયુ વિમાનને ઉપાડી ચાલે તેમ અંતરનો વેગ એના દેહને અધ્ધર લેવા માંડ્યો.

શહેરમાં પાનવાળાની દુકાનો છેલ્લી બંધ થતી હતી. પુષ્પાના ઘરવાળી શેરીને નાકે ભૂતનાથ મહાદેવના મંદિરમાંથી હરિકથાનો શ્રોતાસમૂહ વિસર્જન પામીને બહાર નીકળતો હતો. તેમની નાની નાની મંડળીઓ વેરાઇને ચાલી આવતી હતી. પિનાકીને કાને બોલ પડતા હતા : "મદોન્મત બની'તી હો સારાકાકા! રાજીખુશીથી જ પલાયન કરી ગઈ જણાય છે."

"પણ કોની સાથે?"

"બીજો કોણ હશે - કાં બંગડીવાળો, ને કાં પલટનીઓ પઠાણ!"

"સાળું કંઈ ગમ નથી પડતી કે આવાની જોડે ભાગવામાં કયો રસ રહ્યો છે!"

"ત્યારે શું તમારી જોડે ભગાડવી'તી, ગુલાબશંકરભાઇ!"

"આ....હા!" આધેડ ઉંમરના ગુલાબશંકરે નિઃશ્વાસ નાખી ઊંડી વેદનાઓભર્યા અવાજે કહ્યું: "અમારા પણ દિવસો હતા, ભાઇ, હતા!"

પાછળ પાછળ ચાલ્યા જતા, પિનાકીના કાન એના પગને હળવા પાડતા હતા. એના હાથમાં લાકડી હતી. એના યૌવને આ શબ્દો સાંભળી પોતાની જ હીનતા અનુભવી. એનો પંજો લાક્ડીના કાષ્ઠ ફરતો 'ત્રમ-ત્રમ' થઇ રહ્યો. એમાનાં એક્નો બરડો ફાડવાની ઊર્મિ એની આંગળીઓમાં છલાંગી ઊઠી. પણ એવા કજિયાની એ વેળા ન હતી. પિનાકીએ પગ ઉપાડ્યા.

ફરીવાર એજ સ્મશાન, રાખના ઢગલા, સૂમસામ રાત્રી, અનંત લાગતી

૨૫૦
સોરઠ તારાં વહેતાં પાણી