પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉજ્જડ સડક, ઓખર કરતી કોઇ ગાય, ઝાડના ઠૂંઠા પર એકલવાયા બેઠેલ ઘુવડની બિહામણી વાણી, અને ઊંચા ઊંચા ઘાસની અંદર કેમ જાણે કોઇ મોટાં જાનવરો ભમતાં હોય તેવો ભાસ આપનારા ઝીણા જીવડાની કૂદા કૂદ! પકડેલા ઉંદરને જરા છૂટો મૂકતી ને પાછી ઝપટ કરી ચાલતી બિલાડી જેવી કાળી વાદળીયો આકાશમાં અજવાળી આઠમના ચંદ્રને વારંવાર ઉઘાડઢાંક-ઉઘાડઢાંક કરતી હતી. અથવા તો ચંદ્રમા થોડાએક કાગડાઓની ચાંચો વચ્ચે ચૂંથાઇ રહેલ દહીંથરા જેવો દીસતો હતો. અર્ધ-દુકાળમાં ઉપરાઉપરી વર્ષો ખેંચતો પવન ખેતરાઉ ધરતીમાંથી કોઇ ભ્રષ્ટ થયેલી સ્ત્રીના શરમ દાબ્યા કંઠ-સ્વર જેવો રોતો હતો.

પછી શ્વાન જેવું કાબરું અને ભુખરું સવાર આવ્યું અને વાદળીયો તેમજ ચંદ્રનાં જાણે ચૂંથાયેલા શબો જ સુર્યરૂપી ભંગિયાની વાટ જોતા આકાશે સડતાં પડ્યાં.

પિનાકીએ સીમમાં કોઇ કોઇ માણસો મળ્યા, તેને એણે પ્રશ્નો કર્યા. કોઇ કોઇ ઝૂંપડીઓ એણે ખેતરોમાં જોઇ, ત્યાં જઇ ખબર પુછયા. સીમમાં લોકે એકબીજા સામે સનકારા કરીને વહેમના તાંતણા સાંધ્યા: કોઇક બાતમીદાર ફૂલેસવાળો હશે! આપી દો જવાબ : અમને ખબર નથી ભા! એટલું કહીને સહુ પોતપોતાના કામે લાગી ગયાં. આગળ ચાલતા પિનાકીની પાછળ ટીકા સંભળાતી હતી કે, "આમ કહે કે, અમે ઉંચાં વરણ. માંહીં તો સડી ગયેલાં! આપણી છોકરીયું એમ કે'દી ભાગી છે! કામધંધા વગરના ઉજળિયાતોનું પછે એમ જ હોય તે, બાપા!"

સરખા પવનની પાંખો ઉપર ચડતા એ ટીકાના ટહુકા વધુ વધુ ચોખ્ખા થયા:

"એ ભાઇ, મારી રૂડકી ભાગી ગઈ'તી. ખતા ખાઈને આવી પાછી. મંડી આંસુ પાડવા. અમે એકેય બોલ પણ ન કહ્યો. ભડક્ળે એની જાણીજ બેસી ગઇ ઘંટી તાણવા. સવારે મેં પકડાવી દાતરડી. કહ્યું કે - જા બાઈ, નીંદવા. આખા ગામની ભેળી એ તો મંડી નીંદણુ કરવા. આજ ની ઘડી ને કાલ્યનો દી : કોઈ હવે સાંભરતું નથી. પરણી-પશટીયે ગઈ. ઘોડિયે બે છોકરાંય એ રમી રીયાં!"

૨૫૧
સોરઠ તારાં વહેતાં પાણી