પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આ કોની - તમારીજ મરદાઈ હશે : ખરું કે મિસ્તર?" રસ્તે ચાલતા નાયકે ટકોર કરી. અને પછી તો વટેમાર્ગુઓનો પણ ઠીક ઠીક મેળો ગાડા ફરતો ઘેરી વળ્યો, એટલે વિનોદનું ત્યાં રોનક જામી ગયું. ટોળાની વાતચીતનો મુખ્ય બોલ એક જ હતો: "આબરૂદાર વરણના પણ કેવા ભવાડા છે, બોન!"

ગાઉ-બે ગાઉ ગયા પછી ગાડાની પાછળ છેટે ચાલતો પિનાકી ધીરે ધીરે ગાડાની નજીક આવતો ગયો. તે પછી ધીમે રહી એણે ગાડાનું ઠાઠું પકડી ચાલવા માંડ્યું. તે પછી રાજકોટના બંગલા ડોકાવા લાગ્યા અને પુષ્પાના કંઠની ચીસ પણ બંગલાઓના કરતાંય વધુ ઉંચે ચડી ત્યારે પિનાકીના મોંમાંથી પહેલો બોલ પડ્યો: "પુષ્પા ગભરાટ છોડ. તું મારી થવા કબુલ કરે છે? તો આપણે મરશું છતાં વિખૂટાં નહિ પડીએ. હું તને આગલું પાછલું કશું જ પૂછવાનો નથી."

જવાબમાં પુષ્પાએ ફક્ત પોતાની આંખના આંસુ જ લુછ્યાં.

"હવે બહાદુર બની જા, પુષ્પા! રાજકોટ આવી પહોંચ્યું. હું તારી જોડે જ છું. એટલું કહી પિનાકી ગાડાની એક બાજુએ થઇ ગયો. ને એણે જેટલું બની શકયું તેટલું પોતાની ને પુષ્પાની વચ્ચેનું અંતર ઓછું કર્યું.

સરઘસપ્રેમી શહેરી જનોમાં તે સવારે આનંદ આનંદ વર્તી રહ્યો. પોલીસોને હંમેશના કઠોર રસહીન જીવનમાં આવું કોઈ રમકડું હાથમાં આવે છે ત્યારે એની પૂરી મજા લેવાનો લોભ સહજ હોય છે. તેમણે ગાડું ગામની વચ્ચે થઈને હંકાર્યું. પોતાનું જીવ્યું અને માણ્યું તેમણે સફળ લાગ્યું. પોલીસ થયા તેને બદલે જો દેશના સ્વયંસેવકો થયા હોત, તો આ જ મોજ તેઓ લોકનેતાઓનાં સરઘસોમાં નેતાઓની મોટરોના 'મડ-ગાર્ડ' ઉપર ઊભા રહીને મેળવી લેત.

એજન્સીની પોલીસ-કચેરીમાં પુછાયેલા સવાલોના પ્રત્યુત્તર પિનાકીએ સંતોષકારક આપ્યા: પુષ્પાની જોડે મારે સંબંધ હતો: અમે પરણવાનો સંકલ્પ કર્યો છે: અમે મનથી તો પરણી જ ચૂક્યા હતાં.

"શી રીતે? ચાંદા-સુરજની સાખે? સદેવંત સાવળીંગાના અવતારી લાગો છો!" પોલીસ-અધિકારીએ એમ કહી આનંદ મેળવ્યો.

અને કચેરીથી થોડેક દુર કીકીયારી સંભળાઈ: "એ તારા છાજીયા લઉં! તું કાળો નાગ! તારું ધનોત પનોત નીકળજો!"

૨૫૪
સોરઠ તારાં વહેતાં પાણી