પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ શાપ પુષ્પાની માતાના મોંમાંથી ઉઠતા હતા. અને ભાંગી પડું પડું થતી પુષ્પાને પિનાકી ધીરજ દેતો હતો કે, "જરાય ગભરાઇશ નહિ."

ઝાઝી વાર નહોતી થઇ ત્યાં બીજા પણ એક ડોશી દેખાયાં. એમના મોંમાં શબ્દોચ્ચાર નહોતો. એના શબ્દો એની આંખોમાં હતા, એના બોખા મોંની ડાકલી બોલતી હતી. એની કરચલીઓના ચીરા ઊંડા હતા. એણે ઓળખનાર પોલીસોએ એને "બા" કહીને બહારના બાંકડા ઉપર બેઠક આપી. એણે ગમ નહોતી પડતી કે પિનાકી દીકરાએ આ શું આદર્યું છે.

"છોકરી, તારે ક્યાં - તારી માને ઘેર જવું છે કે?" અમલદારે પૂછ્યું.

"નહિ, નહિ, મારી સાથે આવશે એ." કહીને પિનાકીએ પુષ્પાનું કાંડું પકડ્યું.

"જબરો હિંમતબાજ!" પોલીસોને રોનક વધતું જતું હતું. "ત્યારે તો આ હમેલ તમારા જ છે મિસ્તર?" અમલદારે ફરી વાર એ પ્રિય સવાલ પૂછ્યો.

"હા જ તો".

"સાચવીને સુવાવડ કરજો. દુનિયા પર દેવ ઉતરશે."

"આપની દુઆ." એટલું કહીને પિનાકીએ પુષ્પાને પોતાની જોડે દોરી.

પુષ્પાનાં કાંડાની નસોમાં એવું થતું હતું કે જાણે કોઈ ઊંડી-લાંબી રેલવે-ટનલમાં એક પછી એક આગગાડીઓ માર માર વેગે ચાલી જતી હતી.

સોરઠના સંસાર-જીવનમાં આવો બનાવ સૌ-પહેલો હતો. આટલી નફટાઈ કોઈ જુવાનના જોબને નહોતી રમી દેખાડી. બહાર નીકળેલા પુષ્પા-પિનાકીને જોઈ પુષ્પાની માતા અને તેનો ભાઈ બોલાય તેવી ગાળો બોલતાં નાસવા લાગ્યા. અને એ ઊંચી જ્ઞાતિના કેટલાક રક્ષપાલો રસ્તામાં તોફાન કરવાની નેમથી ખડા થયા હતા. તેમણે પિનાકીના હાથમાં જુદ્ધ પડકારતો ધોકો જોયો. તેઓ પણ 'બદમાશ', 'સેતાન', 'નાગો' વગેરે શબ્દોનાં શરો વરસાવતા પછવાડે રહી ગયા. છાયાવાળું એક ગાડું ભાડે કરી બંને જણા રાજવાડાને માર્ગે પડ્યા.

પાછળ અવાજ આવતા હતા:

"ભાણા! ભાણા! ભાઈ! વાત કહું!"

ગામની બહાર મોટીબા દોડતાં દોડતાં આવતાં હતાં. ગાડું ઉભું રાખી આવી પહોંચેલા મોટીબાને પિનાકી પગે પડ્યો. પુષ્પાને એણે કહ્યું: "પુષ્પા, પગે પડ!"

૨૫૫
સોરઠ તારાં વહેતાં પાણી