પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

54. કલમની દુનિયાનો માનવ


કેટલી નિરાંત કરીને આ માથું મારે ખોળે ઊંઘે છે! એને કોઇ ભય નથી શું? એને મને કલંકિતને લઇ પોતાના કપાળમાં તિલકને સ્થાને ચડાવી. એને મારી જોડે જોઇને કોઇ સંઘરશે નહિ તો? મારો ભાઇ એના પ્રાણ લેવાનું કાવતરું કર્યા વગર કંઈ થોડો રહેવાનો છે? હજી પોલીસે થોડા જ અમને છોડી દીધાં છે? આટલી બધી ગાંઠડીઓના બોજ ફગાવીને આ માથું નીંદર કરે છે!

પુષ્પાને એ માથું જરા તોછડું લાગ્યું. એણે એને ખોળામાં નજીક ખેંચ્યું. ખેંચતી વેળા એના બે હાથની વચ્ચે એ માથું કોઇ લીલા શ્રીફળ જેવું લાગ્યું. સૂતેલી આંખોના ગોખલામાં ભરાયેલી ધૂળને પુષ્પા ઓઢણના છેડા વડે લૂછવા લાગી. કાનનાં પોલાણોને પણ દેવતાના થાનક પેઠે સ્વચ્છ કર્યાં. પોતે નવી પરણીને આવેલી જાણે કે પોતાનો ખંડ શણગારતી હતી. ચાલી જતી બેલગાડીના પછડાટ પિનાકીને પુષ્પાના ખોળામાં વધુ ને વધુ મુકાવવા મદદ કરી રહ્યા હતા.

ગાડીવાન વોરો બેવકૂફ હતો, તેથી થોડો ઇનામપ્રેમી પણ હતો. વગર કામે પોતાની ગાડાની અંદર બેઠેલ મુસાફરોની ચેષ્ટા ન જોવી એવો એનો નિયમ બંધાઈ ગયો હતો. આજે એ નિયમ એને વધુમાં વધુ સાલવા લાગ્યો. આખા રાજકોટને ચકડોળે ચડાવનાર આ બે જુવાનિયાંનાં પૂરાં મોઢાં જોયાં નથી, બેઉ આટલાં બધાં નજીક હોવાં છતાં પણ પોતે એ લાભથી વંચિત રહ્યો છે, તેમ સમજી પોતે દાઝમાં ને દાઝમાં બળદના પૂંછડાંને વળ ચડાવતો હતો. આખરે એ પોતાના કૌતુકને રોકી ન શક્યો, તેમ એને કારણ પણ જડ્યું.

"એ... મોટો રોદો આવે છે હો ભાઈ, ધ્યાન રાખજો." કહેતા એણે પછવાડે જોયું કે તત્કાળ પુષ્પાના હોઠ છેક પિનાકીના ગાલને અડું અડું થવા જેટલા નીચા નમેલા; પણ શિકારીનો સંચાર થતાં નવાણને કાંઠેથી મોં પૂરું પલાળ્યા વગર જ નાસી છૂટતાં હરણાંની પેઠે એ હોઠ પાછા વળી નીકળ્યા.

બીજી જ ક્ષણે ગાડાના પૈડા નીચે ઊંડો રોદો આવ્યો. ગાડું પટકાયું. પુષ્પાના હોઠ અનાયાસે પિનાકીના ગાલને મળ્યા.

બેત્રણ મોટરો ધૂળના ગોટા ઉરાડતી ગાડા પાસેથી ઘસાઈને આગળ

૨૫૭
સોરઠ તારાં વહેતાં પાણી