પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાણી ટપકે છે? પાણી હોય તો પહોંચો પરબારા પ્રવીણગઢ : આ લ્યો આ બે-જોટાળી. ઉપર મારું નામ કોતરેલું છે. કોરટમાં આવીને કહીશ કે, 'હા, હા, મેં જ દીધી'તી એ બંદૂક! મેં મૂકી હતી એને મારા બહાદરિયા રાજકોટીઆના હાથમાં, ને મારી છાતી ફાટે છે એ જોઇને કે મારી બે-જોટાળીનો રંગ રહી ગયો છે. છે કોઈ માટીમાર? તો આ લ્યો."

એમ કહેતાં કહેતાં શેઠે પોતાની બાજુમાં પડેલ બંદૂકને ઊઠાવી હાથ મહેમાનો તરફ લાંબો કર્યો. સામે એક હાથ ન લંબાયો. એકાએક મહેમાને મોં બગાડી શેઠને નજર ચુકાવી.

બાગમાંથી અને વાડીમાંથી શેઠના સાથીદારો ટોળે વળગી ગયા હતા. તેઓ જ્યાં ઊભા હતા ત્યાં થીજી ગયા. છેલ્લા મહિનામાં શેઠ નહિ બોલ્યા હોય તેટલા બોલ તે વખતે એકસામટા બોલી ગયા હતા.

ધીરે રહીને એણે બંદૂક પોતાના ખોળામાં ધરી દીધી. એણે પોતાનો અવાજ ધીરો પડવા દીધો. એની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. એણે દુપટ્ટા વડે મોં લૂછીને કહ્યું: "મને તો લ્યાનત છે કે હું આ બધો મામલો જાણતો જાણતો પણ અહીં સમસમીને બેસી રહ્યો છું. મેં મારા હથિયારને લજવ્યાં છે. મેં મારા પૂર્વજોને આજ પાણી વિના 'પાણી!પાણી!' પોકારતા કર્યા હશે. પણ શું કરું? મેં આજ આંહીં એટલો પથારો કર્યો છે, મેં પારકાના - મારી બહેનોના, ને ફઇઓના, મારા ભાઇબંધોની રાંડીરાંડોના રૂપિયા લઇ લઇને આ ધરતીમાં રેડ્યા છે. એ સૌ નાણાં દૂધે ધોઈને હું પાછા પહોંચતા ન કરું ત્યાં સુધી મારી આ શેરડી ભર્યા સાંઠામાં કળોયાનું લોહી ભાળું છું. મેં મારી શેરડીએ હજુ મોંમાં નથી નાખી. હું તો કેદી છું. મારી ઇજ્જત-આબરૂનો, ને મારાં વિશ્વાસુ માણસોનો એટલે કે હું અત્યારે કંગાલ છું, મરદ નથી રહ્યો. કંગાલ છું તેથી જ હું એ બે છોકરાંને માટે આથી વધુ કાંઈ કરી શકીશ નહિ. બાકી તો આ ધરતી મારા એકલાની મા નથી. એનામાં જેટલી પહોળાશ હશે તેટલી તો એ એનાં બચ્ચાંને છાંયડી કાઢી જ આપશે."

"આ તો બધી આડી વાતે ઊતરી ગયા તમે, શેઠ! કાંઈ નહિ ખેર! અમે રજા લઈએ છીએ." કહીને મુખ્ય મહેમાન ઊઠ્યા. તેમની પછવાડે બીજા

૨૬૦
સોરઠ તારાં વહેતાં પાણી