પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘાટા વાળનો જથ્થો છે. કમર પર એણે ટૂંકી પછેડીનું ધોતિયું પહેર્યું હતું. પાતળી હાંઠીના એ દેહનો ઘાટ દેરાસરની પ્રતિમાઓના ઘાટને મળતો આવતો હતો. મોં પર થોડી થોડી દાઢી-મૂછ હતી, હાથમાં એક ફરસી હતી ને ખભે દોરડું તથા ચામડાની બોખ (ડોલ) લટકતી હતી. ગળામાં તુલસીના પારાની એક માળા ઝૂલતી હતી.

ગાડાખેડુએ કહ્યું : "ભેખડગઢના અમલદારનું કુટુંબ છે, ને સામે મકરાણીનાં પચીસ ગાડાંની હેડ્ય છે."

"ત્યારે તો આપણે જ પાછાં લઈ જવાં પડશે."

"પણ ભાઈ," અંદરથી ડોસા બોલ્યા : "આંહીં અમારી દીકરી મડું થઈને પડી છે."

'મડું' શબ્દ ભાણાના કાન પર સીસાના રસ જેવો રેડાયો.

"એમ છે?" લક્ષ્મણભાઈ નામે પેલો જુવાન બોલ્યો : "ખમો, હું આવું છું." કહેતો એ સામાં ગાડાં પાસે ગયો. થોડી વારે સામેથી પેલા સાંઢ જેવા કંઠમાંથી ઉદ્‌ગાર સંભળાયો કે "મૈયત છે? તો તો અમારી ફરજ છે. અમે ચાહે એટલી તકલીફ વેઠીને પણ અમારાં ગાડાં તારવશું."

"ઊભા રો," એમ કહીને એ જુવાને પોતાના ખભા પરથી બોખ-સીંચણિયું નીચે મૂક્યાં, ને ડાબી ગમના ખેતર પર ચડી પોતાની ફરસી ઉઠાવી. એ ફરસીના ઘા માનવીના શ્વાસોચ્છ્‌વાસની માફક ઉપરાઉપરી અખંડ ધારે થોરની વાડ પર વરસવા લાગ્યા, ને થોડી વારે એક ગાડું પેસી શકે તેટલા અવકાશમાં કદાવર હાથિયા થોર ઢળી પડ્યા.

"લ્યો, તારવો હવે." કહીને એ જુવાન હેડ્યના પહેલા ગાડાનાં પૈડાં પાછળ પોતાના ભુજ-બળનું જોશ મૂક્યું. પચીસે ગાડાં એક પછી એક ગયાં; ને જુવાને અવાજ કર્યો કે, સામી બાજુ ઓતરાદું છીંડું છે, હો જમાદાર!"

"એ હો ભાઈ, અહેસાન!" સામે જવાબ મળ્યો.

અમલદારનાં ગાડાં નેળની બહાર નીકળ્યાં ને તેની પછવાડે સાઠેક ગાયોનું ધણ દોરતો આ જુવાન નીકળ્યો. ગાયો એ જુવાનના ખભા ઉપર ગળાંબાથો લેવા માટે પરસ્પર જાણે કે સરસાઈ કરતી હતી.

"તમે કોણ છો, ભાઈ?" મહીપતરામે પૂછ્યું.

૧૯
સોરઠ તારાં વહેતાં પાણી