પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

55. ધરતીને ખોળે


"હું ઊંઘતો'તો ત્યારે આ મોટરો નીકળી હતી?" ગાડામાં જાગીને પિનાકીએ પુષ્પાને પૂછ્યું.

અબોલ પુષ્પાએ માથું હલાવ્યું.

પિનાકી આખી વાતનો ભેદ પામી ગયો. થોડી વાર એ મૂંગો રહ્યો. પછી એણે પુષ્પાને પૂછ્યું: "કદાચ આંહીંથી જાકારો મળશે તો?"

પુષ્પા મૂંગી મૂંગી હસી.

"તો ક્યાં જશું?" પિનાકીએ પૂછ્યું. પુષ્પાએ ફરી વાર મોં મલકાવ્યું.

"કેમ હસે છે? જવાબ કેમ નથી આપતી?"

"મને કેમ પૂછો છો?" મારે ક્યાં ક્યાંય જવાની ચિંતા છે?"

"એટલે?"

"એટલે કે હું તો તમારી પાસે ગયેલી જ છું. હવે મારે બીજે ક્યાં જવાનું છે? તમે પણ શા સારુ ચિંતા કરો છો અત્યારથી?"

"અત્યારથી! આ સામે ગામ છે. પેલા લોકો પાકું કરીને જ પાછા વળ્યા લાગે છે."

"તમને મેં ફસામણમાં નાખ્યા ત્યારે તો." પુષ્પા થંભીને ચારે દિશે જોવા લાગી. "હું આંહીં ઊભી રહું? તમે જઈને પૂછી જુઓ. એ હા પાડે તો જ હું આવીશ."

"નહિતર?"

એ પ્રશ્નનો જવાબ પુષ્પા દશે દિશાઓના સૂનકારમાંથી શોધતી હતી.

પિનાકીને ભોંઠામણ આવ્યું : આ છોકરીને હું અટવાવું છું શા માટે? એ મારે શરણે આવી છે એટલા માટે? એને શું કોઈ મુસલમાન નહિ મળી રહે? હું એક જ શું એનો તારણહાર છું? અમને શેઠ નહિ સંઘરે તો પણ મારું ને પુષ્પાનું અંજળ હવે ન છૂટી શકે.

"પુષ્પા, આ ખેડુ-સંસાર તારાથી સહેવાશે?" એણે બીજો સવાલ કર્યો.

"અત્યારે સહેવું પડ્યું છે તે કરતાં તો ખેડુ-સંસાર વસમો નથી ને?"

"વખત જતાં કંટાળી તો?"

૨૬૨
સોરઠ તારાં વહેતાં પાણી