પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

56. ઉપસંહાર

"ટીડા, મા'રાજ!" શેઠે પોતાના બૂઢા રસોઈયાને તેડાવ્યો, કહ્યું: "મૂરતબૂરત નથી જોવાં, ઘડિયાં લગન લેવાં છે. મારે કન્યાદાન દેવું છે. કાલ સવારે અહીં રાજનું કે સરકારનું બુમરાણ મચે તે પહેલાં પતાવવું છે. છે હિંમત?"

"હવે હિંમત જ છે ના, ભાઈ!" ટીડાએ બોખા મોંમાથી થૂંક ઉરાડતે ઉરાડતે કહ્યું.

"તમારેય જેલમાં જવું પડે કદાચ!"

"પણ તમે ભેળું ને?"

"હા, મને તો પે'લો જ ઝાલે ને!"

"ત્યારે ફિકર નહિ, હું અનુભવી છું એટલે તમને જેલમાં વાનાં માત્રની સોઈ કરી દઈશ."

"સાચું. તમે કેમ ડરો તે તો હવે યાદ આવ્યું."

ટીડો મહારાજ સાત વર્ષની ટીપમાં જઈ આવેલ હતો.

એના હાથે ચોરી રોપાઈ. આખા રાજવાડામાં ધામધૂમ મચાવીને ધડૂકતે ઢોલે શેઠે પુષ્પાનું કન્યાદાન દીધું.

"જો, જુવાન!" શેઠે ચોરી પાસે બેઠાબેઠા કહ્યું: "ચેતાવું છું. આ મારી કન્યા ઠરી. એને સંતાપનારો જમાઈ જીવી ન શકે, હો બેટા!"

પિનાકીએ નીચે જોયું પુષ્પાનું મોં તો ઘૂમટામાં હતું. એનો ઘૂમટો સળવળી ઊઠ્યો.

*

દિવસો એકબીજાને તાળી દઈ-દઈ ચાલ્યા જતા હતા. બેસતા શિયાળાને વાયરે વનસ્પતિનાં પાંદડાં ફરફરે તેમ પુષ્પાના પેટનું પાંચેક મહિનાનું બાળ સળવળતું હતું. પિનાકીની હથેળી એ સળવળાટનો સ્પર્શ પામતી સ્વાગત દેતી હતી. પુષ્પાનાં નયન પ્રભાતની તડકીમાં આસુએ ધોવાઈ સાફ થતાં હતાં.

શેઠ પિનાકીને વાડીની વાડ્યે-વાડ્યે રમતા જાતજાતના વેલાની અને ભોંય પર પથરાયેલી તરેહવાર વનસ્પતિઓની પિછાન આપતા હતા: "જો, હાથપગના સોજા ઉપર, અથવા તો મોંની થેથર ઉપર આ વાટીને ચોપડાય.

૨૬૪
સોરઠ તારાં વહેતાં પાણી