પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં. એ ફરસબંધી પર ચાલ્યા જતા શેઠની પ્રચંડ છાયા પિનાકી ઉપર પડતી હતી. નદીનાં વહેતાં પાણી ઉપર ચંદ્રમા જલતરંગ બજાવતો હતો.

"તું મારે ઘેર સુરેન્દ્રદેવજીની થાપણ છો, એ તને યાદ છે, બેટા?" બંદૂકધારીએ પિનાકીને એક વાર નદી-બંધ પર થોભાવ્યો.

પિનાકી સામે જોયું. શેઠે ફરીથી કહ્યું: "એ તો ગયા."

"મારાં તો ઘણાં ઘણાં ગયાં."

"એ પાછા આવે ત્યાં સુધી વાટ જોવાની." પિનાકીના મોં પર ત્રાટક કરતાં હોય તેવી તરેહથી આંખો ચોડીને શેઠ છેલ્લો શબ્દ બોલ્યા: "વાટ જોતાં શીખજે. હું શીખ્યો છું."

- ને પછી બેઉ ચાલ્યા ગયા. નદી-બંધના હૈયામાં તેમનાં પગલાં વિરમી ગયાં.



૨૬૭
સોરઠ તારાં વહેતાં પાણી