પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરિશિષ્ટ

1

કાઠિયાવાડનો ક્રાંતિકાળ

‘જન્મભૂમિ’માં કટકે કટકે આવેલી આ સળંગ વાર્તા આજે પુસ્તકદેહ પામીને વાચકો પાસે રજૂ થાય છે. લેખક જેને પોતાની સહુથી વધુ સંતોષપ્રદ કૃતિ ગણે છે તેની પ્રસિદ્ધિને પોતાનું સૌભાગ્ય સમજે છે.

અથથી ઇતિ સુધી આ વાર્તા સ્વતંત્ર છે. એના એકેય પ્રસંગમાં અપહરણ નથી, અનુકરણ નથી, અન્ય કોઈ કૃતિનું છાયાઝીલણ પણ નથી. તેમ બીજી બાજુએ આત્મચરિત્ર પણ નથી. છતાં સ્વાનુભવમાં સાંપડેલી, છેલ્લાં ચાલીસેક વર્ષની અંદર સોરઠી જીવનમાં બનેલી ઘટનાઓને તેમજ વ્યક્તિઓને તાણાવાણા લેખે વાપરીને વણેલો આ વાર્તાપટ છે.

પોલીસ-અમલદાર મહીપતરામના ચરિત્રાલેખનમાં કાઠિયાવાડ એજન્સી પોલીસ ખાતાની કોઈ એક વિશિષ્ટ વ્યક્તિનો નહીં પણ એ ખાતાના વાતાવરણનો ઉઠાવ કરવાનો ઉદ્દેશ છે. શિસ્ત અને ચપલતા તેમજ નીતિ અને મર્દાનગીને હિસાબે આજે પણ બીજી સર્વ પોલીસના કરતાં ચડિયાતી લેખે સ્વીકાર પામેલી આ એજન્સી પોલીસનો પ્રાણ પકડવામાં લેખકને જે વિશિષ્ટ રસ પડ્યો છે તેનું એક કારણ તો આ છે કે લેખકના પોતાના પિતાની નોકરી દરમિયાન લેખકે એ વાતાવરણ કાઠિયાવાડનાં વિકટ સ્થાનો પર પડેલાં અનેક એજન્સી આઉટપોસ્ટ થાણામાં રહીને પીધેલું છે.

મહીપતરામનો પૌત્ર ‘ભાણો’ પિનાકી કલ્પિત પાત્ર છે, અને તેની અંદર કાઠિયાવાડની આજે તો ખીલી ઊઠેલી યુવાનીનો એ પ્રથમ કાળ, ઉગમ કાળ, સ્વપ્નશીલ, ભાવનારંગી, અને સ્વયંસ્ફુરીત બંડનો પ્રાતઃકાળ બતાવવાનો પ્રયત્ન છે. એક ઊતરતી પાયરીના પોલીસ અમલદારની ધૂળમાં રમતી પુત્રી દેવલબા

૨૬૮
સોરઠ તારાં વહેતાં પાણી