પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાઠિયાવાડના એક મોટા રજવાડાની પટરાણી બને છે તે ઘટના કલ્પિત નથી. જ્યારે પિનાકીની પરણેતર બનનાર પુષ્પા પણ એના પતિના જેટલી જ કલ્પિત છે. રૂખડ શેઠના પાત્રાલેખનનો પહેલો હોકારો લેખકને એક સોરઠી રજવાડાના એક ગામડાના શૂરવીર વાણિયાની સાચી ઘટનામાંથી મળેલો છે. પણ તેના ઘરમાં બેઠેલી ‘સપારણ’ મેર-યુવતીનું પાત્ર લેખકે સોરઠી બહારવટાઓમાં ઘૂમી ગયેલી એક કરતાં વધુ ઓરતોની તેજપુંજમાંથી ઘડેલું છે. એ બાઈનું અદાલતમાં પ્રકટ થતું પ્રસંગોલેખન ગોંડળની એક કોર્ટમાં બનેલા બનાવનો ચિતાર ખેંચે છે. જોગી જીવનમાંથી ગૌચરના કજિયા ખાતર બહારવટે નીકળનાર લખમણ વીસ વર્ષ પૂર્વેના સોરઠને ઓળખારાઓથી અજાણ્યો નથી. બંડખોર દરબાર સુરેન્દ્રદેવની રાષ્ટ્રભાવે સળગતી માનવ-મૂર્તિની પ્રેરણા દરબારશ્રી ગોપાળદાસના સોરઠી જીવનકાળમાંથી જડી છે. અને વાર્તાના સાયંકાળ હેઠળ વિચરતી બંદૂકધારી વિભૂતિ જે શેઠ, તેને તો પારેવાળાના ભડ વણિકખેડુ છગનભાઈ મોદીના વ્યક્તિત્વનું બળ મળ્યું છે એ આ વાર્તા ચાલુ હતી તે વેળાના ઘણાય હાલારી વાચકોએ પકડી પાડેલી હકીકત છે.

વિક્રમપુરનું બંદરી રાજ્ય, તેનાં કાંટિયાં વર્ષોમાંથી થયેલી સૈન્યભરતી, 1914-18ના મહાયુદ્ધ સાથેનો સોરઠી જીવનનો એ કડવો સંબંધ, વગેરે વાતો પણ એક સહકર્મચારીના માનસિક દફ્તરમાંથી જીવતી ને જીવતી જ જડેલી છે.

આ તમામ પાત્રો ને પ્રસંગોના આલેખનકાળે કાઠિયાવાડ બહારના કેટલાક વાચકોને સંદેહ પડેલો કે આવી ઘટનાઓ આટલા નજીકના કાળમાં બની હતી? તે સર્વને પ્રતીતિ કરાવવા માટે આટલો પરિચય આવશ્યક હતો.

['જન્મભૂમિ', 30-6-1937]
 
૨૬૯
સોરઠ તારાં વહેતાં પાણી