પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

2

લીલાભૂમિ અને પાત્રસૃષ્ટિ

જ્યારે જ્યારે રાજકોટ જાઉં છું ત્યારે હજુ યે મને વધુમાં વધુ મન એ જગ્યાઓ જોવાનું થાય છે કે જેની સાથે મારું શૈશવ સંકળાયું છે. શહેનશાહ સાતમા એડવર્ડની તખ્તનશીની વખતે જ્યુબિલીમાં દીપમાળા પ્રગટેલી. તેના કાચના ગ્લાસ રાત્રીએ ચોરીને ઉપાડી ગયાનો આનંદ પુનર્જીવિત બને છે, અને પુણ્યશ્લોક લાખાજીરાજ કુંવરપદે હતા તે વખતના તેમના પાતળિયા દેહની જીમખાનાના મેદાન પર ક્રિકેટ-રમત તેમ જ તેમના કાનમાંથી ચમકતી હીરાની ચૂની ચોક્કસ જોયેલી મને યાદ આવે છે.

બાલ્યાવસ્થાના દિનો પછી તો રાજકોટ મેં ઘણાં વર્ષે જોયું હશે. આજે ક્વચિત્ જ જોઉં છું. પણ એનું વશીકરણ વધતું જ ચાલ્યું છે. એ વશીકરણે મારી સર્જનસૃષ્ટિ પર પણ ઊંડી અસર પાડી છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં એ રાજકોટને મેં મુખ્ય પાત્રોની લીલાભૂમિ તરીકે 1939માં આલેખ્યું છે. આલેખન કરતી વેળા હું એ ચાલીસ વર્ષના રાજકોટમાં કેવળ નાનો શિશુ બની જઈ ફરી વાર ફરતો હતો, એટલું જ નહિ પણ એની માટીને પણ જાણે કે સૂંઘતો હતો. એ વાતમાં રાજકોટ જ છવાઈ ગયું છે.

મારી કલ્પનાનું લાડીલું રાજકોટ ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મેં પેટ ભરીને ઝબકોળી નાખ્યું છે. સૈકા જૂનું ન્યાય મંદિર ‘વહેતાં પાણી’માં મેં એક ચાલતી અદાલત તરીકે ચીતર્યું હતું. બહારવટે ચડેલી સોરઠી સુંદરી સિપારણ મામીનો મુકદ્દમો ચલાવતા ગોરા ન્યાયમૂર્તિને તેમાં આલેખેલાં છે. [1942માં એ અદાલતમાં હાજર થવાનું બન્યું ત્યારે] મોટી ફંદાળા ફોજદારોનું, વકીલોનું, ગામડાંના ગરીબ સાહેદોનું, વગેરેનું એ ચિત્ર અદાલતના ચોગાનમાં આવતાં જતસેતલ જીવતું થયું ને મારું મન એ સપારણના છેક જ કલ્પિત પાત્રની શોધમાં પિનાકી બનીને દોડવા લાગ્યું.

આ કૉનૉટ હૉલ:

નાનપણમાં કુટુંબીજનોના મેળા સાથે હું અહીં આવતો, રાજાઓની આ મોટી મોટી તસવીરો સામે તેમ જ તેમની વચ્ચે ઉપર અને નીચે ગોઠવેલાં

૨૭૦
સોરઠ તારાં વહેતાં પાણી