પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શસ્ત્રયુદ્ધો સામે હું તાકીતાકીને જી રહેતો . આ દાઢીવાળા ને મૂછાળા સમશેરધારી રાજવીઓની કદાવર ચિત્રાકૃતિઓ મારા નાનકડા હૃદયને ડારીડરાવી, પોતાના મૂંગાભાવે સ્તબ્ધ કરી દેતી.

અહીં તો દબદબાભર્યા રાજવીદરબારો ભરાતા, મુંબઈનો ગવર્નર અહીં આવતિ ત્યારે હંકશનની સડકે હું પણ બધાં છોકરાં જોડે કોઈ બંગલાની વંડી પર બેઠો બેઠો એ ભીડાભીડમાં રાહ જોતો. ગવર્નરની આગળ આગળ આવતી સોલ્જરોની પલટન મને યાદ આવી ગઈ. અચરજ તો એ હતું કે ગવર્નર સાહેબ હે ઘણા ઘોડાની ગાડીમાં બિરાજતા તે ઘોડાની પીઠ પર પાછો અક્કેક સોલ્જર બેઠેલો હતો. કેટલું મોટું વિસ્મય ! આવું એક મહાવિસ્મય મારી બાલસ્મૃતિતિના ખૂણામાં પડ્યું છે ! અને ત્યાં ચકચકી રહ્યાં છે એ ઘોડેસવાર સોલ્જરોનાં માથાં પરના સફેદ ટોપની ટોચે સોનાનાં પીળાં પીળાં અણીદાર ટોપકાં.

આવી કૈંક સવારીઓ બતાવવા શિક્ષકો નિશાળમાંથી બારોબાર લઈ જતા. અમે તાળીઓ પણ પાડી હશે, ગવર્નરોનાં સ્વાગતના શોભાશણગારો પણ બન્યા હઈશું, પણ મને તો એ બધાની સાથે મીઠામાં મીઠું સ્મરણ થાય છે મીઠાઈના એકાદ પડાનું. એ મીઠાઈના પડાની સ્મૃતિને અપમાન દેવાનો આજે પણ કોઈનો અધિકાર નથી.

ગવર્નરનું આગમન, ગાડી ખેંચતા ઘોડા ઉપર બેઠેલા સોલ્જરોનાં શિરટોપકાં કે મીઠાઈના પડા, એ બધાં કરતાં એક આકર્ષણ મારા અંતરમાં વધુ પ્રબલ બની રહ્યું છે – આ કૉનૉટ હૉલમાં ગવર્નર સાહેબની નિગાહ સામે ભરાતા દબદબાભર્યા રાજવી દરબારોને જોવાનું. પેલી મોટી તસવીરોમાં બેઠેલા અડીખમ ઠાકોરો માયલા ઘણાય તે કાળે હયાત હતા. તેઓ પણ જે દરબારમાં બકરી જેવા બની તાબેદારીની વિધિ ભજવતા હશે તે દરબાર કેવો જોવા જેવો હશે? એ તો ન જોઈ શકાયું, પણ મારું બાળમન એક વાતે બહુ હરખાતું, કે અમુક ઠાકોરસાહેબ ઠરાવેલા સમયથી એક જ મિનિટ મોડા પડતાં એની ચાર કે છ ઘોડાળી ગાડીને અદના એક એજન્સી પોલીસે જ્યુબિલી બાગના દરવાજે રોકી પાડેલી. આ વાત ખરી હો યા ન હો, મારા બાળમાનસમાં એક વાત ન ખેસવી શકાય તેવા સત્યરૂપે જડ ઘાલી ગઈ છે. એજન્સીનો સામાન્ય પોલીસ ચમરબંધી રાજવીઓ પર પણ આટલો કડ૫ દાખવી શકતો એ વાતનું મને

૨૭૧
સોરઠ તારાં વહેતાં પાણી