પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ગોવાળ છું." જુવાન ટૂંકોટચ જવાબ દઈ કહ્યું : "લ્યો રામરામ!" ને ગાયોને જમણી બાજુ દોરી.

"ગોવાળ ન લાગ્યો." મહીપતરામના ડોસાને કહ્યું.

"ગોવાળ પણ હોય."

"આ ગાડાખેડુને ખબર હશે."

"એલા પલીત, કેમ બોલતો નથી?" જમાદારે ગાડાખેડૂને તડકાવ્યો.

"પૂછ્યા વગર મોટા માણસની વાતુંમાં શીદ પડીએ, સા'બ?"

"જાણી તારી વિવેકશક્તિ. કહે તો ખરો, કોણ છે એ?"

"અમારા પટગરના દીકરા લખમણભાઈ છે. અડવાણે પગે ગાયો ચારવાના નીમધારી છે. સાઠેય ગાયોને પોતાના હાથે જ કૂવા સીંચીને પાણી પાય છે. શિવના ઉપાસક છે. બાપુ હારે બનતું નથી. ક્યાંથી બને? એકને મલક બધાનો ચોરાઉ માલ સંતાડવો, માળવા લગી પારકાં ઢોર તગડવાં, ખૂનો... દબવવાં, ને..." ગાડાવાળાને ઓચિંતું જાણે ભાન આવી ગયું કે પોતે વધુ પડતું બકી ગયો છે. એટલે પછી નવાં વાક્યોને, સાપ ઉંદરડાં ગળે તેવી રીતે ગળી જઈ, એણે બળદો ડચકાર્યા. ગામની ભાગોળ આવી.

ચોખંડા કાચે જડ્યા એક કાળા ફાનસની અંદર ધુમાડાની રેખાઓ આંકતો એક દીવો પાદરમાં દેખાયો. એ ફાનસની પાસે એક નાનું ટોળું ઊભું હતું. મુખ્ય માણસના હાથમાં બળતો હોકો હતો. હોકાની નાળીનો રૂપે મઢ્યો છેડો એ પુરુષના બે હોઠમાં તીરછું પોલાણ પાડતો હતો. એના માથા પર ચોય ફરતી આંટીઓ પાડીને બાંધેલું માથાથી પાંચગણું મોટું પાઘડું હતું. એની મૂછો પરથી કાળો જાંબુડિયો કલપ થોડોથોડો ઊખડી જઈને ધોળા વાળને વધુ ખરાબ રીતે ખુલ્લા પાડતો હતો. એની આંખો આગગાડીના એન્જિનમાં અંધારે દેખાતા ભડકા જેવી સળગતી હતી.

"એ પધારો!" કહીને એણે અમલદારને પહેલા જ બોલ વડે પરિચિત બનાવી લીધા. મહીપતરામ નીચે ઊતર્યા. હોકાવાળાએ સામે ધસી જઈને જમણો ખાલી હાથ જમાદારના ખભા પર મૂક્યો, ને જાણે કોઈ વહાલા વાલેશરીને ઘણે દહાડે દીઠા હોય તેવી લાડભરી બોલી કરીને કહ્યું : "પધારો, પધારો મારા બાપ! બાપ! ખુશી મજામાં? માર્ગે કાંઈ વસમાણ તો નથી પડી ને? એલા,

૨૦
સોરઠ તારાં વહેતાં પાણી