પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાંમર્દીની, સચ્ચાઈની. ન્યાયપ્રિયતાની, તાબાના માણસો પ્રત્યે વારંવાર પ્રસંગો દ્વારા બનાવાયેલા વાત્સલ્ય ભાવની વાતો મેં મારા પિતા પાસેથી ઘણીયે વાર સાંભળેલી. આવી વ્યક્તિને નીરખવાનો મને મોહ થયો. કેમકે પચીસ રૂપિયાના પગારદાર કારકૂનને યાદ કરીને ખબર અપાવે કે મળવા આવજે એવો જૂનો અધિકારી મેં કોઈ બીજો જાયો નહોતો.

આમ આતુરતા અને માનવૃત્તિનો દોર્યો હું પણ મારા પિતા મળવા ગયા તેની સાથે ગયો. જોતાવેંત જ દોડતા આવીને એણે મારા પિતાના બે હાથ પકડી લીધા. મારા પિતા અંગ્રેજી જાણે નહિ. સૂટર સાહેબે કહ્યું, “હમ અચ્છા હિંદી નહિ બોલ” આટલેથી બોલતા અટકાવીને મેં કહ્યું, “સાહેબ હું અંગ્રેજી જાણું છું.” પણ સાહેબે આપેલા જવાબે તો મને ચકિત્ બનાવી દીધો. એણે ભાંગીતૂટી હિંદીમાં આ પ્રમાણે કહ્યું :

“આજકલ તો એ દેશમેં ઇંગ્લીશ જાનનેવાલાકી બડી સંખ્યા હૈ ઓ બડી ખુશાલી કી બાત હૈ. લેકીન દેખો. તમારા એ દેશમાં ખડા હોકર હમને છત્રીસ વર્ષ કા પર હમારી જીભાન પર એ હિંદી જ્યાદા વખત રહેને વાલી ભાષા થી, તમારા ફધર કી સાથ હમ ઓ વખત પર હિંદી મેં બાત કરતે થે. ઓર એ ભાષા મેં ભૂલ ગયે. અબ ઈસ તક કુ ઇસ વખત હમ જા દેને ખુશી નહિ હોતા. હમ હિંદી મેં બાત કરને બહોત ખુશી હું” આવી મતલબનો જવાબ હિંદી ભાષા પરના રાગથી રંગાયેલો છે. એટલું જ નહિ પણ પોતાના જૂના સાથીઓની જોડે સીધી દિલ દિલની વાત કરવાની એને હોંશ છે એમ જણાઈ આવે છે. મને લાગ્યું, આ અમલદાર આ પ્રદેશને એનું વતન માને છે. આવા થોડા વધારે અમલદારો સોરઠને મળ્યા હોત તો? એ ઘડીએ મારા મને એ પ્રશ્ન કર્યો.

એના હૃદયમાં નર્યો મમત્વભાવ જાણે ભર્યો હતો. ખરેખર નિકટનો આપ્તજન પણ આટલી ઝીણવટથી ખબર અંતર ન પૂછે. આપના પિતાના અસ્તિત્વ વિષે એમણે પ્રશ્ન કર્યો. મારા પિતાશ્રીએ એમનું અવસાન થયાના ખબર આપ્યા ત્યારે એના ઘરડા વદન પર ગ્લાનિ ફેલાયેલી. “એ લોકો ઇસ વખત હયાત નહિ એ હમારે લિએ દુઃખ પેદા હોતા હૈ” – આ મતલબના શબ્દો એ ગ્લાનિ વ્યક્ત કરવા માટે પૂરતા છે. એ પછી તરત

જ એણે પૂછ્યું, “ઇસકા વચ્ચે લોક સુખી હૈ?” મારા પિતાશ્રીએ કહ્યું,

૨૭૫
સોરઠ તારાં વહેતાં પાણી