પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“હા જી.”

આ વખતે મેં અંગ્રેજીમાં જણાવ્યું. “એના (કાળીદાસની) એક પુત્ર અમારા સાહિત્યના એક લેખક છે, કવિ છે, વાર્તાકાર છે.”

એણે કહ્યું “ઓહ! સો ?” એવા વદન પર ફૂદરડી ફરતી ખુશાલી ઓળખી કાઢ્યા પછી મેં વધારે જણાવવાની હિંમત કરી.

“મને ખ્યાલ છે તે ઉપરથી કહી શકું છું કે આપની પરાક્રમ- રેખાઓ અંકિત કરતું પાત્ર એમણે એક નવલકથામાં દોર્યું છે.” આ. સાંભળતાં જ એમના હૃદયમાં હર્ષની રેલ આવી. ઊભા થઈને મારામાં વસી ગએલા આપને કલ્પીને એણે મારો વાંચો પ્રેમભાવથી ઊઘડતા હૃદયે થાબડ્યો. એમણે ગદ્‌ગદ્ કંઠે કહ્યું : “ધીસ ઇઝ મેમરી ફોર ઓલવેઝ”. પૂરા શબ્દો યાદ નથી, પરંતુ કથનનો ભાવ કાયમની યાદગીરી એવો હતો. આથી વધારે તે બોલી શક્યા નહિ.

એમણે આપનું નામ લખી લીધું છે. એમણે કહ્યું, “હું જરૂર પત્ર લખીશ” એ પત્ર લખે કે ન લખે પરંતુ મારી સમક્ષ એમણે આપના પિતાનું નામ લેતાં જે મમત્વ દર્શાવ્યું એ કોઈ અનન્ય પ્રકારનું હતું એટલું તો નક્કી.

જ્યારથી ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ શરૂ થયું ત્યારથી એમાંનાં કેટલાંક પાત્રો જે જે જીવંત વ્યક્તિઓ ઉપરથી રચાયાં છે તે અનેકનો મારા પિતાએ મને પરિચય આપેલો છે. અંગ્રેજ અમલદારનું પાત્ર આલેખાયું એમાં સૂટરના સોરઠના પરાક્રમનો વણાટ છે એ પણ મારા પિતાશ્રી પાસેથી જ હું જાણી શક્યો. જાલમસંગનો કિસ્સો એ વઢવાણમાં બનેલો ને એનું મુખ્ય પાત્ર તે સનાળીના દરબાર હીપા વાળા. આવી રીતે એ વાતનાં કેટલાંક પાત્રોના જીવંત મનુષ્યની માહિતી હું મેળવી શક્યો છું.

સૂટરના વખતમાં વાણિયાઓ વધારે સંખ્યામાં હતા અને તેથી જ અમારી સાથેના વાર્તાલાપમાં તેમણે એક સ્થળે કહ્યું, “અબ તો બનિયા લોક કા જમાના ચલ ગયા”. તદ્દન ખરી વાત !

[લિ૦ હિંમતલાલ દલપતરામ પારેખ]
['ફૂલછાબ', 30-1-1937]
 
૨૭૬
સોરઠ તારાં વહેતાં પાણી