પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને આંહીં પુત્રીના શરીરમાં ગરમા શોણિતનો સંચાર થયો. નાનો ભાણો ચકળવકળ જોતો જ રહ્યો. પોતાની બા આવાચક પડી હતી, પણ આસપાસની દુનિયામાં સૂરો ભર્યા હતા. ઘેરદાર પહેરવેશવાળીનું રૂપ બોલતું હતું, રંગોમાંથીય માયા વછૂટથી હતી. બ્રાન્ડીના મધમધાટના જાણે ઢોલ ધડૂકતા હતા, ને ફળિયામાં ઘોડાની લાદ પર એની એક પ્રકારની લહેજતદાર સુવાસ રાતના અંધકાર પર તરતી મૂકતી હતી.

દશા-અગિયાર વર્ષનો ભાણો એટલું તો સમજી શકતો હતો કે આજ સુધી તેણે જોયેલી તમામ સ્ત્રીઓ જાણે કે પોશાક પરિધાનના જીવતા કોથળાઓ હતી : જ્યારે આ એક સ્ત્રીનો લેબાસ એના બદનને ઢાંકતો નહોતો. ઊલટાનો અળગાં અળગાં રૂપને એનું પોતપોતાનું પહાડી ગાન ગાવા દેતો હતો.

આવી સજીવન અને પ્રાણ ધબકતી દુનિયામાં બાએ આંખો ઉઘાડી એમાં નવાઈ? અહીં બાને ભાન ન આવે તે તો ન બનવાજોગ હતું. ભાણાએ દોટ મૂકી. ઊંચી પરસાળેથી ઊતરતાં એ ઊંચા ઊંચા પગથિયાં ઉપર ડગલાં માંડવાનું માપ ભૂલ્યો, કેમ કે મુંબઈમાં રહેતો, એટલે એ ટૂંકા અંતરના પગથિયાંવાળા દાદરથી ટેવાયેલો હતો. એક ગડથોલિયું ખાઈને એ ડેલી તરફ ધસ્યો, નીચે ઘોડીના પાછલા પગને બાંધેલી પછાડી હડફેટમાં આવતાં ત્યાં પણ ભાણાએ અડબડિયું ખાધું. એનું રડવું અંધારામાં નજીક બાંધેલી વાછડીઓ સિવાય કોઈ ન જોઇ ગયું. ને એણે ડેલી પર પહોંચી ખબર આપ્યા કે, “બાને સારું થયું છે.”

કપાળે હાથ ટેકવી માઠા ખબરની તૈયારી વિચારતા બેઠેલા પિતાને એમ લાગ્યું કે જાણે સ્મશાનેથી પુત્રીને જમરાજાએ પાછી મોકલી છે.

ડેલીથી સામી ચોપાટ પર બંદૂક ધારી ઘર-ધણી ઘડીવાર બેસતા ઘડીભર ઊઠીને પોતાના માણસોને ટપાર્યા કરતાં : “ છોકરાં, ઘોડીના પથા કરી? ઊંટનો ચારો વાઢી આવ્યા, ઢેડાઓ? સાંઢિયો હજી કેમ નથી આવ્યો એલા, જો તપાસ, ઈ કુત્તો સામી પાટીના લીંબડા ન કરડતો હોય હજી.“ વગેરે.

ભાણાના મોટા દાદાજી રુદ્રાક્ષનો ગંઠો બે હાથમાં લઈને રાવણે રચેલ શિવનું સ્તોત્ર જાપતા હતા. એ સ્તોત્રનો પ્રત્યેક બોલ આ બૂઢા ઇડરિયા બ્રાહ્મણના

૨૪
સોરઠ તારાં વહેતાં પાણી