પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાબ આપ્યો. ને ભાણેજને લાગ્યું કે અમલદારોનેય બચ્ચા કહી બોલાવનારી કોઇ નાગડી સત્તા અહીં દુનિયાની કિનારી પર પડી છે ખરી.

“હડમાનજી તેરો સબ ભલો કરસે, બચ્ચા! એક નાલીએરની માનતા રાખજે. તેરો બેડો પાર હોઇ જાસે." એમ કહેતો નાગડો બાવો ચલમના ભડકા ચેતાવતો રહ્યો. ગાડાં ગામ-ટીંબે ચડવા લાગ્યાં.

"આ લોકો મૂળમાં બાવા-સાધુ નથી હો, બાપુ!"મહીપતરામે પિતાને સમજ પાડીઃ "અસલ કેટલાક તો બળવાના કાળમાં ઉત્તરમાંથી ભાગી અહીં ભરાઇ ગયેલા, ને તે પછી કેટલાક ફિતૂરીઓ બંગાળમાંથી છૂપા નીકળી ગયેલા : મતલબ કે સરકાર વિરોધી કાવતરાખોરોની જમાતવાળા આ બધા."

"એને પકડવાનો હુકમ ખરો કે ભાઇ?" ડોસાએ ધીરેથી પૂછ્યું.

“હુકમ તો ખરો. પણ એમાં કોણ હાથ કાળા કરે? ગમે તેમ તોય દેશને માટે માથું ડૂલ કરનારા તો ખરા જ ને!"

"સાચું છે ભાઇ! માઇના પૂત તો ખરા જ ને!"

ભાંગેલી જૂની દેરી, કલાલનું પીઠું, લુહાણાની પાંચ દુકાનો, લીંબડીઆ બજરંગ, ઠાકરદ્વાર અને પંદરેક ખંડિયેરોનાં અધઊભાં ભીંતડાં પાર કરીને નવા અધિકારીએ થાણાની થાણદારી ગેટના ત્રણ પહેરેગીરોની તથા એક નાયકની 'ગાટ! ટ..ચન!' એવા બોલથી ગાજતી સલામી લીધી.

ત્રીજે દિવસે ખબર આવ્યા કે દેવકીગામમાં સુનકાર છવાઇ ગયો છે. બન્યું હતું એમ કે આગલા દિવસે જ રૂપગઢના મહારાજાની મોટર નીકળી. મોટર મહારાજાએ લાવીને છેક રૂખડભાઇ શેઠની ડેલીએ ઊભી રાખી. મહારાજ કહે કે ચાલો શિકારે જવું છે. ભેળા ગામના કુંભાર મુખી પટેલ કાનાભાઇને પણ લીધા, કારણ કે કાનાભાઇને બંદૂકનો શોખ, બંદૂક બરાબર હાથ બેસી ગયેલી. તે પછી મોટર છેક ખાંભાના ડુંગરામાં પહોંચી. ત્યાં મહારાજાની ગોળીએ 'ભભૂતિયા' નામે ઓળખાતા સિંહને ઘાયલ કર્યો. જખમી સાવજ સંતાઈ ગયો. સાંજ સુધી એના સગડ ન મળ્યા. સાંજે પાછા ફરતી વેળા માર્ગની બાજુમાં સાદા કુત્તાની માફક બેઠેલો ભભૂતિયો છલાંગ્યો, પણ જો રૂખડ શેઠે બંદૂક સહિત પોતાનો પોંચો ભભૂતિયાની દાઢો વચ્ચે ન પેસાડી દીધો હોત તો મહારાજા અને મોતને ઘડીકનું છેટું હતું. રૂખડ શેઠે ભભૂતિયાને પાછો પછાડ્યો. તે પછી

૨૭
સોરઠ તારાં વહેતાં પાણી