પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ મહારાજાની બંદૂકના એક બહારે એને પૂરો કર્યો. મહારાજા પ્રસન્ન થઇ રૂખડ શેઠની પીઠ થાબડવા લાગ્યા, એ અઢારસો પાદરના ધણીને વધુ તો મોજ ન આવી, ફક્ત શાબાશીના જ શબ્દો છૂટી શક્યાઃ "વાહ વાણિયો! વાહ શેઠ! રંગ તારી માતને!"

ત્યાં તો બાજુમાં ચડીને મહારાજાને કાના પટેલે કહ્યું : "બાપા ! આ જવાંમર્દીનું બીજક કા...કા...."

એટલું બોલવા જાય છે ત્યાં તો રૂખડ શેઠ પોતાનો ભભૂતિયાએ ચાવી ખાધેલો હાથ બીજા હાથમાં ઝાલીને મોટરમાંથી ઊઠ્યા ને બોલ્યા : "કાના પટેલ! જો હું કાઠીનું બીજક હોઉં તો તો જાણે કે તું સતવાદી રાજા હરિશ્ચંદ્ર. પણ જો આજથી છ મહિનામાં તને ઠાર મારું, તો જાણજે કે રૂખડ અણીશુધ્ધ વાણિયાનું બીજક હતો. ને મહારાજ! આપને પણ કહી દઉં છું, કે આજથી છ મહિનામાં અમારા બેમાંથી એક મરે તો ખૂનીને ગોતવાની જરૂર જોશો મા : બેમાંથી જે જીવતો હોય તેને જ હાથ કરજો!"

પછી તો ત્યાં પોતાના માટે રોટલાપાણી લઇ આવનારને ચાર ચાર આનાની બક્ષિસ આપી મહારાજા ચાલી નીકળ્યા, ને આ બે જણાની વચ્ચે જીવનમોતનું વેર બંધાયું. કાનો પટેલ એના પાંચ દીકરાઓની ખડી ચોકી નીચે રહે છે, ને રાતે પાંચ વાર સૂવાના ઓરડા બદલે છે. એવી એક વાતનું સ્મરણ લઇને જમાદારનો ભાણેજ પિનાકી ત્યાંથી બાર ગાઉ પર આવેલા એક નાના શહેરની નિશાળમાં અંગ્રેજી ભણતર ભણવા ગયો.


8. માલિકની ફોરમ


મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલાં પાંચ ગાઉ સુધીમાં તો એને વચગાળાના પ્રત્યેક ગામડે વાહન બદલવું પડ્યું. અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગામડા સુધીનું જ ગાડું કાઢતું. સામા ગામે પહોંચ્યા પછી ગામનો પોલીસ-પટેલ પોતાને ઘરને ઓટે

૨૮
સોરઠ તારાં વહેતાં પાણી