પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શા માટે?"

"એના ધણીને મળવા માટે."

"એવી મુલાકાત તે કાંઇ અપાતી હશે? આ તે શું બજાર છે? આ તો કહેવાય કૅન્ટોનમેન્ટ." આટલું કહીને સાહેબે બારણાં બીડ્યાં.

પણ તેટલામાં તો થાણદાર સાહેબની ત્રણ નાની-મોટી દીકરીઓ બહાર નીકળી પડી હતી, ને પિનાકી પણ ગાર્ડ-રૂમના દરવાજા બહાર થોભીને દીદાર જોવા ડોકું તાણતો હતો.

"આ જમાદાર સાહેબ આવ્યા." નાયકે ત્રણ પોલીસને "ટં......ચન" ફરમાવ્યું. 'ટંચન" એટલે 'એટેન્શન'; આજે આપણી વ્યાયામ-તાલીમમાં એને માટે વપરાતો આદેશ-બોલ છે 'હોશ્યાર."

મહીપતરામના મોં પર ગામડાંના રસ્તાઓની પડસૂંદીના લોટ જેવી મુલાયમ બારીક ધૂળ છંટકોરાઇ ગઇ ફતી. એણે પૂછ્યું : "શું છે?"

નાયકે એમને વાકેફ કર્યા. કેદીની કેસર ઘોડી હજી જંપી નહોતી. એની અને એના ઝાલનારાઓ વચ્ચે ગજગ્રાહ ચાલુ હતો, ને ઝાડુ કાઢેલા કચરાના જુદા જુદા ઢગલાઓને સળગાવતા ભંગી જેવો શિયાળાનો સૂરજ આભનાં ભૂખરાં વાદળાંને આગ મૂકતો ઊંચે ચડતો હતો.

"તે શું વાંધો છે?" જમાદારે કહ્યું:"ફિકર નહિ, લઇ જાવ ઘોડીને લૉક-અપના સળિયા સુધી."

"પણ થાણદાર સાહેબે..."

"હવે ઠીક ઠીક : વેવલા થાઓ મા, નાયક. હું કહું છું ને કે લઈ જાવ."

"જેસા હુકમ!" નાયકે સલામ કરી. સિપાઇઓનો સારો બેડો ઉલ્લાસમાં આવી ગયો.

ને ચૂપ ઊભેલા પિનાકીને ખબર પણ ન પડી, કે ક્યારે પોતે અંદર ચાલ્યો ગયો અને ક્યારે એનો હાથ થાણદાર સાહેબની વચેટ પુત્રી પુષ્પાના હાથમાં પરોવાઇ ગયો.

સહુ છોકરાં ને સિપાઇઓ જોઇ રહ્યાં : ઘોડી 'હં-હં-હં, હં-હં-હં, હં-હં-હં' એવા હણહણાટો કાઢતી છેક પરસાળ પર ચડી, પરસાળના કાળા પથ્થરોની લાદી પર એના પોલા ડાબલા વેરાગીના હાથમાં બજતા ડફ જેવા ગુંજ્યાં,

૩૧
સોરઠ તારાં વહેતાં પાણી