પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને એના હોઠ કેદખાનાના કાળા સળિયા ઉપર રમવા લાગ્યા.

કેદી પોતાનું મોં પાછલી બાજુ ફેરવી ગયો હતો.

નાયકે કહ્યું: "લ્યો શેઠ, હવે તો મળો."

પુષ્પાને ખેંચતો પિનાકી આગળ વધ્યો.

કેદીનું મોં આ તરફ ફર્યું, એટલે પિનાકીએ કેદીને ઓળખ્યો. દેવકીગામ વાળા રૂખડભાઇ - જેને ઘેર બા જીવતી થઇ હતી.

કેદીએ ઘોડીને બોલાવીઃ"બાપ! કેસર! મજામાં?"

કેદીની આંખો તાજી લૂછેલી હતી, પણ ગાલ ઉપર ઓસનાં મોતિયાં ભૂલથી બાઝેલાં રહી ગયાં હતાં. એના હાથ કેસર ઘોડીની માણેક-લટ ઉપર કાંચકીની માફક ફર્યા. ઘોડીના કપાળ પર માણેકલટમાં એણે પાથી પાડી. ઘોડીના લલાટમાં લાંબું સફેદ ટીલું હતું. તેની ઝીણી ઝીણી રુંવાટીમાંથી કેદીએ એક નાની ઈતરડી ખેંચી કાઢી.

"ક્યાંથી - રાજકોટથી આવી લાગે છે!"નાયકે પૂછ્યું.

ભારે અવાજે કેદીએ કહ્યું : "હા, હું ત્યાં રજૂ થયો'તો."

કેદીએ ઘોડીને કહ્યું: "કેસર, બાપ, હવે તો તું ઘેર જઇશને? ડાહીડમરી થઇને રે'જે, પછાડી બાંધવા દેજે રોજ. ને, જોજે હો, સીમમાં છોડે તો કોઇ ટારડા ઘોડાને પડખેય ચડવા દેતી નહિ. ને - ને ખુશીખબર દેજે!"

બધા જ બોલ કેદી ફક્ત ઘોડી સાંભળી શકે તેવી જ હળવાશથી બોલ્યો.

એકઠા થયેલા સિપાઇઓ તદ્દન ચૂપ હતા. ત્યાં જાણે કે કોઇ પીર અથવા દેવ પ્રગટ થયા હતા.

ઘોડીએ માથું નીચે નમાવી નાખ્યું. કેદીએ છેલ્લી વાર પંપાળીને કહ્યું: "જા બચ્ચા હવે! હવે આને લઈ જાવ, ભાઈ!"

બન્યું તેટલા બધાએ ઘોડીની રેશમી પૂંઠ પર હાથ ફેરવ્યા. માણસો વિખરાયા.

પુષ્પાના હાથમાં હાથ જોડી પિનાકી હજુ પણ ઊભો હતો. એ જેલની કોટડીના દરવાજા સુધી ગયો. એણે કેદીને બોલાવ્યો: "તમે દીપડો મારેલો તે જ ને?"

કેદીએ કહ્યું: "ઓહો, ભાણાભાઇ, તમે તો ખૂબ ગજું કરી ગયા ને શું!"

૩૨
સોરઠ તારાં વહેતાં પાણી