પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાહેબ."

"જોઇએ તો ગામ બહાર બાંધજો,પણ પાછું વચ્ચે દેવકીગામ આવે છે, ત્યાં છોડી લેજો."

"સારું, સાહેબ!.. ગાટ! સ્લોપ-હામ્સ! આબોટ ટર્ન! ક્વીક માર્ચ!" કરતો નાયક પોલીસ-પાર્ટીને કૂચ કરાવી ગાડા પાછળ ચલાવી ગયો. તે જ વખતે સંત્રીએ રેતીની કલાક-શીશી ખલાસ થતી જોઇ. 'ગાટ'માં ઝૂલતી ઝાલર પર નવના ડંકા લગાવ્યા. ને તરત મહીપતરામના વૃધ્ધ પિતાએ નિઃશ્વાસ નાખ્યો: "અરે રામ!"

"કેમ દાદા!" પિનાકીએ પૂછ્યું.

"નક્કી રૂખડ શેઠને લટકાવી દેશે. આ તો કાળડંકાનું શુકન."

"ત્યાં રાજકોટમાં શું થશે?"

"કેસ ચલાવશે."

"કોણ?"

"સેશન જડજ."

"પણ એમાં આમનો શો વાંક? પેલા પટેલે તો આમની મરી ગયેલી માને ગાળ આપી હતી ને?"

"આ ભાણોય પણ, બાપુ. જડજ જ જન્મ્યો દેખાય છે." મહીપતરામે ટોળ કર્યું.

"હા, ભાઇ, ભાણો જડજ થાશે તે દી કાયદાકલમોની જરૂર જ નહિ રહે!" દાદા હસ્યા.

બાપ-દીકરો બહુ હસ્યા. આ હાંસી પિનાકીને ન ગમી. એણે એક પણ વધુ પ્રશ્ન પૂ્છ્યા વિના ચૂપચાપ દાતણ કરી લીધું.

ગળામાંથી જાલિમ ઉબકા કરતે કરતે ઊલ ઉતારીને મહીપતરામે બે ચીરો ચોકમાં ફગાવી.બન્ને ચીરો ચોકડીના આકારે એકબીજાની ઉપર પડી. એ જોઇને મહીપતરામે કહ્યું: "આજે કંઇક મિષ્ટાન્ન મળવાનું હોવું જોઇએ."

"આજ હું કશું જ મિષ્ટાન્ન નથી ખાવાનો, બાપુજી!" પિનાકીએ દુભાયેલા સ્વરે કહ્યું.

"પણ તને કોણે કહ્યું? હું તો મારી વાત કરું છું."

૩૬
સોરઠ તારાં વહેતાં પાણી