પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લૂગડાં તો ઠીક, પણ તમે માસ્તરાણીનાં લૂગડાંય શીદ ધોવા લાવો છો?"

"ન ધોયે ત્યા જાય ક્યાં? માસ્તરાણીની એક હાક પડે તે ભેળું તો..." જમાદારનો 'ઓર્ડરલી' કહેતો અટક્યો.

"હવે ઠીક..." માસ્તર ઝંખવાણા પડ્યા.

"વાઘજી ફોજદારનો મામલો સાંભળ્યો?"

"ના ભઇ; શો મામલો?

"વઢવાણ જંકશને લોમાપરના જાલમસંગ જોડે ધિંગાણું રમ્યો વાઘડો."

"જાલમસંગજી! વાઘ ફોજદારના દિલોજાન દોસ્ત?"

"દોસ્ત તો હતા તે દી, બાકી તો એ દોસ્તીએ જ દાટ વાળ્યો ને!"

"કાં?"

"વાઘ ફોજદાર જાણે કે વેશ કાઢવાનો અતિ શોખીન. આજ પઠાણ બને, તો કાલ વળી બાવો બને; પરમ દા'ડે પુરબિયો બને. બને તો બને પણ ભેળાં છોકરાંઓને પણ વેશ કઢાવે. પ્રાંત સા'બ, સુપરીટન સા'બ - જે કોઇ સા'બની સવારી હોય તે-તે વખતે વગડામાં વેશ કાઢીને સાહેબોની જોડે મુલાકાત કરે. સાહેબો થાય રાજી, ને ઘેરે દરબારો પણ આવતા જતા થયા. જાલમસંગજીનો કાંઇક વધુ પગરવ, ને એમાં પૂરજુવાન દીકરી હોય ઘરમાં : લાજમાલાજો રાખ્યો નહિ : પછી જાલમસંગ કાંઇ ઘા ભૂલે?"

"કેમ ભૂલે! ગરાશિયા ભાઈ..."

"હવે, ભાઇ, ગરાશિયાનું નામ દિયો મા ને! એક રજપૂત સિપાઇએ આંખ ફાડીને વાંધો લીધો.

"ઠીક, મેલો નામ પડતું, મેલો ગરાશિયાના નામમાં ટાંડી!"

“હા, પછી?"

“પછી તો જાલમસંગ વાઘ ફોજદારની દીકરીને લઇને ભાગ્યો. વાઘડો કહે કે ફરિયાદ નહિ કરું : ભુજાઓથી ભરી પીશ. એમાં પરમ દા'ડે જાલમસંગ રાજકોટ જાય; વાઘ વઢવાણ સ્ટેશન આવે. સ્ટેશન પર જ જામી. વાઘ વગર હથિયારે દોડ્યો. જાલમસંગ પાયખાનામાં સંતાણો."

૩૯
સોરઠ તારાં વહેતાં પાણી