પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પાયખાનામાં!" ધોનારા રજપૂતે વિસ્મય ઉચ્ચાર્યું.

"હા, હા, દરબાર!" વાત કહેનારે પેલા રજપૂત સિપાઇને શબ્દોના ડામ આપ્યા.

"હવે સંડાસને તો બેય બાજુ બારણાં. એક બાજુથી જાલમસંગ નીકળી જાય તો? સ્ટેશનની ગાડીઓ થંભી ગઇ. માણસોની હૂકળ મચી. પણ વાઘ તો વાઘ હતો; વીફરેલો વાઘ! કોણ રોકે? ચડ્યો જાજરૂ માથે. માથેથી અંદર જાલમસંગને માથે ત્રાટક્યો. શત્રુના હાથમાં ખુલ્લો છરો : આંચકવા જતાં વાઘનાં ત્રણ આંગળાં ભીંડાનાં ફોડવાં માફક સમારાઇ ગયાં. ને વાઘ ફોજદાર આંગળાં સંભાળે, ત્યાં જાલમસંગ રફુ થઇ ગયો."

"ક્યાં ગયો?"

"હરિ જાણે."

"પતો જ નહિ?"

"ના."

આગગાડીથી વીસ ગાઉના અંતરે પડેલા કાળા પાણીના ટિબા ઉપર આઘેના બનાવો આટલા વેગથી પહોંચી જતા. ગંગોત્રીના કુંડને કાંઠે પિનાકી પણ નહાવા જતો. આ વાતો એને વાતાવરણ પાતી. રાતે એ સિપાઇઓની 'ગાટ' પર જઇ બેસતો. નાનકડો ખાટલો રોકીને ત્યાં વાતો સાંભળતાં ઊંઘી જતો.

વળતા દિવસે સાંજે એક નાનો-સો બનાવ બન્યો. ગામડેથી ભેંસના દૂધનાં બે બોઘરાં ભરીને પસાયતા ઘરે આવ્યા. જમાદારે કહ્યું: "લઇ જાવ ઘરમાં."

ગરીબડા લાગતા પસાયતા બહાર આવ્યા ત્યારે જમાદારે પૂછ્યું: "એલા તમામ ઘેરેથી દૂધ ઉઘરાવ્યું છે કે?"

"હા સાબ. બધેથી. એક ઘેર ધાવણા છોકરાને પાવા જેટલુંય નથી રહેવા દીધું."

"ઠીક, જાવ."

પસાયતાઓના છેલ્લા શબ્દો પિનાકીને કાને પડ્યા, ને એ બહાર ઓટલા પર જઇ ઊભો. આભનાં ચાંદરણાં, કોઇ મધપૂડા ઉપર ચોંટી ગયેલ પતંગિયા જેવાં, પાંખો ફટફટાવતાં હતાં.

૪૦
સોરઠ તારાં વહેતાં પાણી