પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કોને!"

"ઓને!" બાઈએ હાથ પહોળાવીને કોઠી જેવી વસ્તુને ઈશારત કરી.

"કોને? એ ઓપાને! લે, હવે જા, વલકૂડી! તું તારું કામ કર."

"અરે, પણ - કહેવું જોવે."

"કહેશું - તારો બાપ મરી જાય તેના કારજ વખતે!"

"હવે તમે સમજો નહિ ને!!!" બાઈએ ડોળા ફાડ્યા. "તમારે ને એને કજિયો કરવો હોય તો બહાર કરી લેજો. આંહી મારા ઘરમાં તો મારે વહેવાર સાચવવો પડશે. ઘર મારું છે."

"અને મારું?"

"તમારો વગડો ; જાવ, ધોડાં તગડ્યા કરો."

"સાચું કહે છે, ગગા! - વહુ સાચું કહે છે." બૂઢાએ પહેલી જ વાર લાગ જોઈને વચન કાઢ્યું. ડોસો વ્યવહારમાં બડો તીરંદાજ હતો. "સાચી વાત. ઘર તારું નહિ! હો ગગા! ઘર તો સ્ત્રીનું."

પિનાકી તો બેઠો બેઠો ચોપડીમાં મોં ઢાંકવાનાં પ્રયાસ કરતો હતો. કોણ જાણે કેમ પણ 'ઘર મારું છે' એ મોટીબાનું વાક્ય અને, બીજું, મોટા બાપુને પચાસ વર્ષની વયે પણ 'ગગા' 'મહીપત' વગેરે તોછડા શબ્દોથી બોલાવતા દાદાની હંમેશની મોટીબાની તરફદારી -એ બન્ને વાતો પિનાકીને ગમી ગઈ.

તરત જ પિનાકી જોઈ શક્યો કે મહીપતરામના મોં પરથી રેખાઓ, જે તપેલા ત્રાંબાના સળિયા સરખી હતી, તે કપાળમાં ને કપાળમાં કોણ અણદીઠ ભઠ્ઠીની આંચ થકી ઓગળીને કપાળ જોડે એકરસ બની ગઈ.

"બાળો ત્યારે એનુંય નામ નોટમાં." એણે કઠોર રીતે હસીને કહ્યું.

પિનાકીનાં મોટાબાએ નાની-શી લાજમાંથી સસરા પ્રત્યે માયાળુ નજર નાખતાં નાખતાં ધીરે અવાજે પતિને કહી દીધું: "બાપુ બેઠા છે ત્યાં સુધી તો મારા સારા નસીબ છે; પણ જે દા'ડે બાપુ..."

"તુંનેય તે દા'ડે બાપુ ભેળી ચેહમાં ફૂંકી દેશું; લે, પછી છે કાંઈ?" મહીપતરામના એ બોલમાં ઊંડી વહાલપ હતી એ ફક્ત એની પત્ની અને દાદા બે જ જણથી સમજી શકાય. સાવજ -દીપડાના મમતાળુ ઘુરકાટનો મર્મ તો

૪૨
સોરઠ તારાં વહેતાં પાણી