પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રખેવાળો જ પારખી શકે, બીજાંને તો એ બધી ત્રાડોમાં એકસરખું ખુન્નસ જ ભાસે. ને સાવજ-દીપડાનું તેમ જ કેટલાંક માનવીઓનું એવું દુર્ભાગ્ય હોય છે કે એની વાણી હર એક વાતમાં હિંસક સ્વરુપે જ બહાર આવે.

"અરે વહુ!" ડોસો પણ ઠેકડીમાં ભળ્યા: "તમે શીદ ચિંતા કરો છો? હું તો હજી બાર વરસનો બેઠો છું. એમ તમને રઝળાવીને કયાં જઈશ!"

"લે, બાપુ તો જમને ય પાછો વાળશે!" મહીપતરામે ટોળ કરી.

"અરે ગગા, મસાણખડીમાંથીય ઠાઠડીઓ સળવળીને પાછી આવી છે - જાણછ?"

"ત્યારે તો તમારી વહુનેય બાળીને પછી જવાના, ખરું!"

"તો તો હું બહુ નસીબદાર થઈ જાઉં." વહુએ ધીરેથી કહ્યું, એની આંખોમાં પાણી હતાં. એના અવાજમાં કાંચકી પડતી હતી.

"ના રે, મારી દીકરી!"ડોસાનો અવાજ કંઠમાં કોઈ ખૂતેલા લાકડાની પેઠે સલવાઇ જતો હતો. "ઇશ્વર ઇશ્વર કરો. સૌ આબરૂભેર સાથરે સૂઈએ એવું જ મારો શંભુ પાર ઉતારશે આપણું."

"આ એક ભાણો ભડવીર બની જાય ને, એટલે પછી બસ." મહીપતરામે ઉમેર્યું.

*

દૂધપાકના તાવડાને પાણિયારાની ઠંડકમાં ઢાંકીને જ્યારે અમલદારની સ્ત્રી સૂવા ગઈ ત્યારે રાતના એક વાગ્યાની આલબેલ પોકારાતી હતી.

ચાળીસ વર્ષની એ સ્ત્રીનો મજબૂત તો ન કહેવાય પણ મનોબળને કારણે ખડતલ રહી શકેલો બાંધો હતો. ધણીની જોડે રઝળપાટમાં એના વાળ પાંથીની બેય બાજુ એ મૂળમાંથી જ સફેદ બન્યા હતા. એટલે કાળા આકાશમાં શ્વેત આકાશ-ગંગા ખેંચાઈ ગયા જેવી એના માથાની પાંથી લાગતી હતી. મોટો પુત્ર મરી ગયા પછી એણે ગૂઢા રંગના જ સાડલા પહેર્યા હતા; નાકમાં ચૂંક અને પગમાં કડલાં નહોતા ધારણ કર્યાં.

બારેક મહિને પહેલી જ વાર એ આજ રાતે પતિના ઢોલિયા પાસે જઈ ચડી. ગઈ હતી ચોફાળ ઓઢાળવા ભાણાને. બીજા ઓરડામાં જઈ ઓઢાડ્યું, ને ધણી પણ કોણ જાણે કેવી દશામાં સૂતો હશે તે સાંભરી આવતાં ત્યાં ગઈ.

૪૩
સોરઠ તારાં વહેતાં પાણી