પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કેમ?"

"લાશ આવી છે."

"ક્યાંથી?"

"ગાલોળેથી."

"કોની છે?"

"કોળીની."

"ઠીક, ભા! બોલાવો કારકુનને. સળગાવો ઑફિસમાં બત્તી." ઊઠીને એણે કપડા પહેર્યા.


12. દૂધપાક બગડ્યો


ફિસે જતાં જ ઘોડી ઝાલીને ઊભેલા એક માણસે અવાજ દીધો : “સાહેબ મે’રબાન.....હે....હે.” ‘હં’ અને ‘સ’ એ બે અક્ષરની વચ્ચે અણલખાયેલો ને અણપકડાયેલો એ ‘હેં-હેં’ ઉચ્ચાર મહીપતરામને કાને પડતાં જ બોલનાર આદમી પણ અંધારેથી પકડાયો. નરકમાંથી ફણા પરખાય તેવો એ ઉચ્ચાર હતો.

“કોણ – મોડભા દરબાર?“

“ હેં-હેં....હા, મે’રબાન.“

“તમે અત્યારે?“

“હેં - હેં....હા જી, ગાલોળેથી.“

“કેમ?“

“આપને મોઢે જરીક...“

“બોલો.“

“હેં - હેં.... આ રામલા કોળીએ અફીણ ખાધું ને?“

“તે તમારે શું છે?“

“હેં-હેં.... છે તો એવું કંઈ નહિ. પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધુંચતું... ભરાવી જાય... તો એ બચાડાની બાયડી હેરાન થાશે...

૪૫
સોરઠ તારાં વહેતાં પાણી