પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“હેં-હેં.... છે તો એવું કંઈ નહિ. પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધુંચતું... ભરાવી જાય... તો એ બચાડાની બાયડી હેરાન થાશે... એટલા માટે...“

મોડભા દરબારે અંધારામાં અમલદારના હાથમાં એક કોથળી મૂકી. કોથળી નાની હતી, પણ વજનદાર હતી. અંદર પાંચસો જેટલા રૂપિયા હતા.

“ઠીક, ઠીક, મોડભા દરબાર,“ અમલદારે જરા ધીમાશથી કહ્યું : “તમે એ બોજને ઘોડીએ નાખીને પાછો જ લઈ જાવ, ને ઝટ ગાલોળે પહોંચી જાવ.”

“હેં-હેં....કાં મે’રબાન?“

“ઉપાડવાનું મારું ગજું નથી.”

“આ તો હું એક મહોબત દાખલ... “

“ હા, હા, દરબાર! હું મહોબત કરી જાણું છું ને રુશવત પણ લઈ જાણું છું. હું સિદ્ધની પૂછડી નથી. મારે રૂપિયા ખંખેરવા હોય છે ને ત્યારે નિર્દોષમાં નિર્દોષને પણ અડબોત મારીને ખંખેરું છું. પણ મોડભા દરબાર, આ ખપે તો તો મારે ગાનું રગત ખપે : સમજ્યા ? ને ઝટ પાછા ફરો“

“પણ - પણ -“

“ગેં - ગેં, ફેં – ફેં કરો મા, દરબાર; હું જાણું છું. ઘરની ગરાસણીના દેવતાઈ રૂપ રગદોળી નાખીને તમે બધા આ ડાકણ જેવી કોળણો પાછળ હડકાયા થયા છો – એમાં જ આ કોળીને અફીણ ઘોળવું પડ્યું ને! એવાં તમારાં કામા છુપાવવાની કિંમત આપો છો તમે મને બ્રાહ્મણને?“

મોડભા દાજી ચૂપ રહ્યા.

“જાવ, દરબાર; મને મારું પેટા નહિ ભરાય તે દા’ડે વટલોઈ લઈ ઇડરની બજારમાં ફરતાં આવડશે, જાઓ, નીકર નાહક થાણામાં ગોકીરો કરાવશો.”

મોડજી ગયા. થાણાના ચોગાનમાં ગાડું ઊભું હતું. તેમાં સૂતેલા શબની સફેદ પછેડી અંધારામાં કાળ-રાત્રિના એક દાંત જેવી દેખાતી હતી.

ઑફિસમાં રિપોર્ટો, પંચનામું, દાક્તર પરની યાદી વગેરેની ધમાલ મચી ગઇ, ને સવારે પાંચ વાગતાં જમાદારે કારકુનને કહ્યું કે, “ધકેલ આ યાદી ને આ લાશ દાકતર પાસે. ભલે ચૂંથે, ને રળી ખાય બાપડો એ ભૂખ્યો વાઘ! હાલ્ય, દે હાફિસને તાળું. ને ઝટ નોતરાં દઈ આવ સૌને.”

પ્રભાતે ખબર પડી કે ગામમાં શાક કશું જ નથી મળતું. ગામમાં કોઈ શાકભાજીની વાડી કરતાં નહિ. સરકારી થાણાં જીવતાં હિમ જેવાં હતાં. એ

૪૬
સોરઠ તારાં વહેતાં પાણી