પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિમ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં શાકપાંદડું ઊગે નહિ.

ભાણિયા વાઘરીએ પાંચ વર્ષ ઉપર નદીના પટમાં સાકરટેટીનો વાડો કરેલો. જમાદાર-થાણદારનાં નામ લઇને સિપાઈઓ, પટાવાળાઓ એની ટેટીઓ વીણી ગયા; ને પછી વેપારીને કરજા ચૂકવવા માટે ભાણિયાને પોતાની બાયડી વેચી નાખવી પડી હતી.

થાણાં હોય ત્યાં મોચી, સુતાર, કુંભાર વગેરે કારીગર વર્ગ પણ ન જામે. એને વેઠ્યમાંથી જ નવરાશ ન મળે.

“આ ચંડાળને પ્રતાપે શાક પણ સળગી ગયા!” કહી મહીપતરામે થાણદારના જ શિર પર બધો દોષ ઢોળ્યો.

“પણ મારે તો એ ડફોળને બતાવી દેવું છે કે આજ!” એવા ઉમંગથી એણે બે ગાઉ પર તાબાના ગામે ઘોડેસવારને શાક લેવા મોકલ્યો.

ડોકટરે કશીક વિધિનો દોષ કાઢી શબને પાછું કાઢ્યું. એ ઊણપ ઉપર ડોકટર-જમાદાર વચ્ચે લડાઈ લાગી પડી; ને છેવટે, સાંજ સુધી રઝળતી લાશના ઓછાયા નીચે જ જમણવાર ઊજવવો પડ્યો.

થાણદાર સાહેબને સંભળાય તે રીતે મહીપતારામ પોતાના માણસોને ઉલટાવી ઉલટાવી જુદી જુદી ચાલાકીથી કહેતા હતા : “એલા ચાળીસ પાટલા ઢાળ્યા છે કે? જોજો હો, વધુ પાંચ ઢાળી મૂકજો. વખત છે, ભાઈ, કોઈક મહેમાન આવી ચડે. આવે, કેમ ન આવે? ચાળીસ માણસને રસોડે પાંચ વધુ જમી જાય એમાં શી નવાઈ?”

જમણ પોણા ભાગનું પૂરું થવા આવ્યું ત્યારે કોઈકે ધ્યાન ખેંચ્યું કે, “ભાણાભાઈનો દૂધપાકનો વાટકો તો હજુ ભર્યો ને ભર્યો પડેલો છે.”

“કેમ ભાણા! ત્રીજો વાટકો કે?”

પીરસનારે કહ્યું : “નાં, જી; પે’લો જ વાટકો છે.”

“એમ કેમ?”

“અડયા જ નથી.”

“કેમ ભાણા?”

“ મને ભૂખ નથી.”

“જૂઠું. બોલ – શું છે?”

૪૭
સોરઠ તારાં વહેતાં પાણી